વધતા યુદ્ધ વચ્ચે શિપિંગ ટ્રાફિક એક સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો; ઈઝરાયેલે ગાઝા અને દક્ષિણ લેબનાનમાં કરાર હોવા છતાં હવાઈ હુમલા કર્યા
(એજન્સી) તા.૧૪
ઈરાન સામે વધી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હોર્મુઝની વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રધૂની (Strait of Hormuz) પર નિયંત્રણને લઈને અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. આ મહત્વના જળમાર્ગ પર શિપિંગ ટ્રાફિક ઘટીને એક સપ્તાહના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, છતાં પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે હોર્મુઝની સમુદ્રધૂની પર અમેરિકાનું “સંપૂર્ણ નિયંત્રણ” છે. બીજી તરફ, ઈરાનની રાજધાની તેહરાન પોતાના વલણ પર મક્કમ છે. ઈરાને અમેરિકા સામે પોતાનો વિરોધ અને પ્રતિકાર ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ઈરાની સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગને બંધ જ રાખશે. દરમિયાન, મધ્ય પૂર્વમાં અન્ય મોરચે પણ સ્થિતિ તંગ બની છે. ગાઝા અને દક્ષિણ લેબનાન બંને વિસ્તારોમાં સીઝફાયર (યુદ્ધવિરામ) અમલમાં હોવા છતાં, ઈઝરાયેલી સૈન્યએ છેલ્લા એક સપ્તાહમાં પહેલીવાર ગાઝા પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ સાથે જ ઈઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનાનમાં પણ બોમ્બમારો અને ઈમારતોને ધ્વસ્ત કરવાની લશ્કરી કામગીરી ચાલુ રાખવામાં આવી છે.