હોસ્પિટલના ખાનગીકરણ સામે આપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો

પાલનપુર, તા.૧૭
પાલનપુર ખાતે મેડિકલ કોલેજ મંજૂર થઇ છે. જેના ઇન્સપેકશન માટે દિલ્હીથી એમસીઆઇની ટીમ પાલનપુર સિવિલમાં આવી હતી. જ્યાં મેડિકલ કોલેજના ઓથા હેઠળ પાલનપુર સિવિલના ખાનગીકરણ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરતા ચકચાર મચી ગઈ હતી. રાજ્યની ભાજપ સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ બનાસકાંઠાને મેડિકલ કોલેજ આપવાના ઓથા હેઠળ પોતાના ચેરમેનપદ હેઠળની બનાસડેરી સંચાલિત ગલબાભાઈ ટ્રસ્ટને પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી તેનો કબજો લેવાની હિલચાલ હાથ ધરી છે. જેની સામે જિલ્લાભરમાંથી ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે ત્યારે આજે મેડિકલ કોલેજની મંજૂરીને લઈને દિલ્હીથી એમસીઆઇની ટીમ સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન માટે આવી હતી. જેમણે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બિલ્ડીંગો, સાધન સામગ્રીની સમિક્ષા કરી હતી. જો કે, આ ટીમની મુલાકાત સમયે અગાઉથી જ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ રોકવા માટે આંદોલન ચલાવી રહેલી આમ આદમી પાર્ટીના રમેશભાઇ નાભાણી, શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ ચૌહાણ, સમીબેન તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ખાનગીકરણ રોકવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ ઘટનાક્રમને પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે પોલીસ ફોજ ખડકી દેવાઈ હતી. અને કાર્યકરોને કેમ્પસની બહાર કઢાયા હતા.
ધારાસભ્યઓ ફરક્યા પણ નહીં
જો કે, પાલનપુર સિવિલના ખાનગીકરણનો વિરોધ કરવાની ખાત્રી આપનારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સહિતના નેતાઓ એમસીઆઈના ઇન્સપેક્શન ટાણે ન ફરકતા લોકોએ તેમની સામે પણ ફિટકારની લાગણી વરસાવી હતી.
મુન્નાભાઈ એમ.બી.બી.એસ. જેવું ચિત્ર રજૂ કરાયું
પાલનપુર સિવિલમાં એમસીઆઈના ઇન્સપેકશન ટાણે ગલબાભાઈ ટ્રસ્ટ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ જેવો સેટ ખડો કરી ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. પાલનપુર સિવિલમાં એમસીઆઈના માપદંડો મુજબ કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર કે સ્ટાફ નથી. પાલનપુરના ખાનગી તબીબોને એપ્રન પહેરાવી ઊભા કરી દેવાયા હતા. ત્યારે આ બધી ક્ષતિઓને ઉજાગર કરી એમસીઆઈને ગુમરાહ કરવા સામે આમ આદમી પાર્ટીના રમેશભાઈ નાભાણીએ એમસીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે, મોરિયા ખાતેની ગૌચરની જમીન હડપી લઇ તેના પર પોતાના જ ટ્રસ્ટને મેડિકલ કોલેજ મંજૂર કરી આપી પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ ઓફિસ ઓફ પ્રોફિટનો ભંગ કર્યો હોઈ તેની પણ તપાસ કરવા ભૂતેડીના પૂર્વ મહિલા સરપંચ સમુબેન ચૌહાણે પણ માંગ કરી હતી.
મીડિયા કર્મીના ફોટા ડિલીટ કરાવ્યા
એમસીઆઇની ટીમના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ અને આપ સહિતના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ વખતે મીડિયા કર્મીઓને રૂમમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા તેમજ કેટલાક પત્રકારોના કેમેરામાંથી ફોટા પણ ડિલીટ કરાવવામાં આવ્યા હતા. ચોથી જાગીર ઉપર જોહુકમી થતા પત્રકારોમાં ભારે રોષ ઉદભવવા પામ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks