(એજન્સી) તા.૧૩
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ગાઝામાં આખી રાત અને બુધવારે ઇઝરાયેલી હવાઇ હુમલાઓમાં વિસ્થાપિત પેલેસ્ટીની પરિવારોને આશ્રય આપનારા એક સંયુક્ત રાષ્ટ્ર સ્કૂલ અને બે ઘરોને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં ૧૯ મહિલાઓ અને બાળકો સહિત ૩૪ લોકોનાં મોત થયા.
સૌથી ઘાતક હુમલો બુધવારે બપોરે થયો જેમાં મધ્ય ગાઝાના નુસરત શરણાર્થી શિબિરમાં સંયુક્ત રાષ્ટ્રના અલ-જૌની પ્રિપેરેટરી બોયઝ સ્કૂલને નિશાન બનાવવામાં આવી. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તે સ્કૂલની અંદરથી હુમલાની યોજના બનાવી રહેલા હમાસના લડવૈયાઓને નિશાન બનાવી રહી હતી. આ દાવાનું સ્વતંત્ર રીતે સમર્થન કરી શકાતું નથી. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં ૧૪ લોકો મૃત્યુ પામ્યા, જેમાં બે બાળકો અને એક મહિલા સામેલ છે. જેમને નજીકની અવદા અને અલ-અક્સા શહીદ હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા. હુમલામાં ૧૮ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા બાળકોમાંથી એક મોમિન સેલ્મીની દીકરી હતી. જે ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીના સભ્ય છે. જે હુમલાઓ પછી ઘાયલો અને મૃતદેહોને બચાવવાનું કામ કરે છે. સેલ્મીએ પોતાની દીકરીને ૧૦ મહિનાથી જોઈ ન હતી. કારણ કે, તે કામ જારી રાખવા માટે ઉત્તરી ગાઝામાં જ રહેતી હતી. જ્યારે તેનો પરિવાર દક્ષિણ તરફ ભાગી ગયો હતો.
ઇઝરાયેલી હુમલાઓ અને નિકાસી આદેશોના કારણે પોતાના ઘરોમાંથી કાઢવામાં આવેલા હજારો પેલેસ્ટીની ગાઝાની સ્કૂલોમાં રહે છે. અલ-જૌની સ્કૂલ પેલેસ્ટીનીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા સંચાલિત ગાઝાની અનેક સ્કૂલોમાંથી એક છે. જે યુદ્ધ દરમ્યાન અનેક હુમલાઓના શિકાર થયા છે.