(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના પાંડેસરા કૈલાસનગર ખાતે રહેતી ૧૮ વર્ષિય યુવતીને શનિવારે ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ યુવતીનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે પરિવારજનો દ્વારા યુવતીના મોતની હકીકત છુપાવી હોસ્પિટલ સ્ટાફે બિલ વધારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરા કૈલાશનગર પાસે આવેલી શાંતિનગરમાં રહેતી ૧૮ વર્ષિય વંદના મુન્નાસિંહ કુસ્વાહએ શુક્રવારે રાત્રે દાળ ચોખા ખાધા બાદ શનિવારે ઉલટી, ખાસી અને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ પ્રથમ જીવનજ્યોત પાસે આવેલ પ્રાર્થના હોસ્પિટલમાં સારવાર આપી હતી. નિર્મલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરવામાં આવ્યું છતાં પણ કોઈ ફર્ક ન પડતા નિર્મલ હોસ્પિટલમાં ૫૦ હજાર રૂપિયા ભરી દાખલ કરવાં આવી હતી. દાખલ કર્યા બાદ શનિવારે રાત્રેથી રવિવારે બપોર સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે માટે ૬૦ હજારની દવા પણ મંગાવાઈ હતી. ત્યારબાદ આજે તબીબોએ દ્વારા વંદનાને મૃત જાહેર કરવામાં આવી હતી. યુનિક હોસ્પિટલના તબીબે આજે વહેલી સવારે વંદનાને મૃત જાહેર કરીને ૮૫ હજારનું હોસ્પિટલનુ઼ બિલ બનાવ્યું હતું. બિલ ભર્યા બાદ જ ડેડબોડી આપવાની સુચના આપી હતી. વંદનાના પરિવારજનો આટલો બધો ખર્ચ કરીને મોતના સમાચાર સાંભળી ડઘાઈ ગયા હતા. ગતરોજ ઓપરેશન કર્યા બાદ આજે મોત થયું હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કે વંદનાના મોતને છુપાવીને તબીબો ઓપરેશન ખર્ચ અને હોસ્પિટલનું બિલ વધાયું છે. તેથી આવેશમાં આવી યુનિક હોસ્પિટલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે મધ્યસ્થી બની સમજાવટ કરી હતી ત્યારબાદ પરિવારના સભ્યો વંદનાની ડેડબોડી લઈ ગયા હોવાનું જાણવા મળે છે.