રિયાધમાં શનિવારે વહેલી સવારે સાઉદી નાગરિકોને એર ડિફેન્સ એલર્ટ મળતાં વિસ્ફોટો સંભળાયા હતા; બાદમાં સત્તાવાળાઓએ રિયાધ અને અલ-ખાર્જમાં ભય ટળી ગયો હોવાનું જણાવ્યું હતું, આ ઘટના સઉદી અરેબિયા પર હૌથી ડ્રોન તોડી પાડવાની ઘટનાના થોડા દિવસો બાદ બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા
(એજન્સી) રિયાધ, તા.૧૯
સઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શનિવારે વહેલી સવારે જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેના પગલે સ્થાનિક રહીશોને મોબાઇલ એપ્સ દ્વારા એર ડિફેન્સ એલર્ટ મળ્યા હતા. શરૂઆતમાં કટોકટીની સ્થિતિ માટેના નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ દ્વારા અલ-ખાર્જ ગવર્નરેટમાં ખતરાની ચેતવણી આપતું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જોકે, સાઉદી ડાયરેક્ટોરેટ ઓફ સિવિલ ડિફેન્સે પાછળથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે રિયાધ અને અલ-ખાર્જમાં ભય હવે ટળી ગયો છે. સત્તાવાળાઓએ નાગરિકોને સૂચનાઓનું પાલન કરવા અને ભીડ ન કરવા અથવા વીડિયો શૂટિંગ ન કરવાની અપીલ કરી હતી. આ ઘટના તાજેતરમાં બનેલી હુમલાની ઘટના બાદ સામે આવી છે. સિવિલ ડિફેન્સના પ્રવક્તા અનુસાર, તાઈફ શહેરમાં તોડી પાડવામાં આવેલા હૂથી ડ્રોનનો કાટમાળ પડતાં સિવિલ ડિફેન્સની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અગાઉની ઘટનામાં ડ્રોનનો કાટમાળ પડવાથી એક યમની નાગરિકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક સાઉદી મહિલા અને એક પાકિસ્તાની નાગરિક ઘાયલ થયા હતા (જેમાંથી પાકિસ્તાની નાગરિકની હાલત ગંભીર છે). આ ઉપરાંત આ ઘટનામાં અનેક ઇમારતો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ, હૌથી દ્વારા સંચાલિત અલ-મસિરા ટીવીના અહેવાલ મુજબ, સઉદી એરસ્ટ્રાઇકે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ યમનના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર-પશ્ચિમ પ્રાંત હજ્જાહના અબ્સ શહેરમાં બે હવાઈ હુમલામાં એક વ્યક્તિનું મોત અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી તેમજ ચાર વાહનો નષ્ટ થયા હતા અને એક મકાનને નુકસાન થયું હતું. દક્ષિણમાં તાઈઝ પ્રાંતમાં પણ ત્રણ ટેલિકોમ્યુનિકેશન ટાવર્સને લક્ષ્ય બનાવી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, આ હવાઈ હુમલા કે ખુવારી અંગે સઉદી સત્તાવાળાઓ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, યમનના સંઘર્ષમાં બંને પક્ષો વચ્ચે સતત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે હૌથી જૂથે દાવો કર્યો હતો કે તેમણે યમનના ઉત્તર-પૂર્વ મારિબ પ્રાંતમાં સઉદીના એક સશસ્ત્ર જાસૂસી ડ્રોનને તોડી પાડ્યું હતું અને યમનના પશ્ચિમ કિનારે સઉદી યુદ્ધવિમાનોને અટકાવ્યા હતા. આ ઉપરાંત, મંગળવારે પણ રોયલ સઉદી એર ડિફેન્સ ફોર્સે મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ હૂથી દ્વારા છોડવામાં આવેલા એક શત્રુતાપૂર્ણ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડીને નષ્ટ કર્યું હતું.