નવી દિલ્હી, તા.૪
શ્રીલંકાના દાસુન શનાકાએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી કેરેબિયન પ્રીમિયર લીગના (સીપીએલ) ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે ફકત ૩૯ બોલમાં સદી ફટકારી આ સિદ્ધિ મેળવી છે. તેણે આ યાદગાર ઈનિંગમાં ૧ર સિક્સરની મદદથી ૧ર૧ રન બનાવ્યા હતા. દાસુન શનાકાએ સેન્ટ લુસિયા કિંગ્સ સામે ૩૯ બોલમાં પોતાની સદી પૂરી કરી અને ૪૩ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ર સિક્સરની મદદથી ૧ર૧ રન બનાવ્યા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ ર૮૧.૪૦ હતો. કેરેબિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ સૌથી ઝડપી સદી છે. આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે આન્દ્રે રેસલ, ટિમ સીફર્ટ અને શિમરોન હેટમાયરના નામે હતો. જેમણે ૪૦ બોલમાં સદી ફટકારી હતી.પેટ્રિઓટ્સનો સ્કોર એક સમયે ૧પ ઓવરમાં ૧૪ર રન હતો. શનાકા ૧૮ બોલમાં ૪૦ રન બનાવી રમી રહ્યો હતો ત્યારબાદ શનાકાએ સેન્ટ લુસિયાના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી. છેલ્લી પાંચ ઓવરમાં પેટ્રિઓટ્સે ૯૩ રન બનાવ્યા. શનાકાએ છેલ્લી ઓવરમાં ર૮ રન બનાવ્યા. જેમાં ચાર સિક્સર અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે. પેટ્રિઓટ્સે ર૩પ રન બનાવ્યા હતા. તેનો પીછો કરવા ઊતરેલી સેન્ટ લુસિયા કિંગ્સ ૯૮ રનમાં સમેટાઈ ગઈ હતી.