અમદાવાદ, તા.૧૬
ગુમ થયા બાદ નાટ્યાત્મક ઢબે મળી આવેલા. વિહીપના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ તેમનું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું રચાયું હોવાનો ભય વ્યક્ત કર્યો હતો ત્યારે તોગડિયાના ગુમ થવાના મુદ્દે તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તોગડિયાનું એન્કાઉન્ટર થવાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી વાત હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો કે પ્રવિણ તોગડિયાના એન્કાઉન્ટરની વાત ખોટી છે. જો કે તેઓ કોતરપુરથી મળી આવ્યા ત્યારે ભાનમાં હતા અને પોલીસે ૧૦૮ના ટેકનિશિયનની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે પ્રવીણ તોગડિયા ભાનમાં હતા. તેમનું બ્લડપ્રેશર નોર્મલ હતું. તેમજ તેઓએ સારવાર લેવાની ના પાડી હતી. જો કે ૧૦૮ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતી હતી ત્યારે તેમના મિત્રએ એમ્બ્યુલન્સને શાહીબાગ ચંદ્રમણી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. વધુમાં ક્રાઈમ બ્રાંચે કહ્યું હતું કે કોઈપણ અપહરણ થયું નથી. પ્રવીણ તોગડિયા જાતે જ ગયા હતા. જ્યાં પણ ગયા ત્યાં તોગડિયા ઝેડ પ્લસ સિક્યુરિટી લઈને કેમ ના ગયા તે આશ્ચર્યજનક બાબત છે. ટેકનિકલ સર્વેલન્સની જે તપાસ કરી તે અને પ્રવીણ તોગડિયાના વાતોમાં વિરોધાભાસ છે. જો કે આ મુદ્દે હજુ સુધી પ્રવીણ તોગડિયાનું નિવેદન લીધું નથી. એમનું નિવેદન લઈશું. તોગડિયાને એરપોર્ટ જવાનું હતું તો કોતરપુરનો રસ્તો ક્યાંથી આવે ? જેવા અનેક શંકા ઉપજાવતા પ્રશ્નો સહિત તમામ બાબતો ઉપર તપાસ કરવાનું ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું.