અમદાવાદ, તા.૨૩
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૦૮ ઈમરજન્સી સેવાઓના નવા ટેકનોલોજીયુક્ત અભિગમ ૧૦૮ મોબાઈલ એપનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું. આ મોબાઈલ એપ કાર્યરત થવાના કારણે ૧૦૮ની મદદ માંગનારી વ્યક્તિની માહિતી લેટ લોંગ દ્વારા ઘટના સ્થળની વિગતો નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ઉપલબ્ધ થવાથી હાલ વ્યક્તિની માહિતી મેળવવામાં જે સમય થાય છે તેનો બચાવ થશે. સેન્સ, રીચ, કેર અને ૪૮ કલાકમાં ફોલોઅપના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમને કારણે આપાતકાલમાં માનવજીવનને રક્ષણ મળશે, ત્વરિત સારવાર મળશે. મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ એપ સ્માર્ટ ફોન ધારકો પ્લેસ્ટોરમાં જઈને ‘૧૦૮ ગુજરાત’ એપ્લિકેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે. આ ૧૦૮ મોબાઈલ એપમાં દેશમાં સૌ પ્રથમવાર એવી વિશેષતા વિકસાવવામાં આવી છે કે, ૧૦૮ની મદદ માંગનારી વ્યક્તિ પણ પોતાના ફોનમાં જ એમ્બ્યુલન્સનું ટ્રેકિંગ એટલે કે, તેના સુધી પહોંચવાનું અંતર, સમય અને રૂટના લાઈવ મેપની જાણકારી મેળવી શકશે. આ મોબાઈલ એપમાં પ્રથમ વખત રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રાથમિક વિગતો ભર્યા બાદ ગમે ત્યારે ઈમરજન્સીની પરિસ્થિતિમાં ૧૦૮ બટન દબાવતા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ઘટનાસ્થળની માહિતી મળી જશે પરિણામે પ્લેટિનમ મિનિટ્સમાં ઘટનાસ્થળની માહિતી અને સંવાદના સમયમાં બચાવ થશે.