૧૪ એપ્રિલ પછી લોકડાઉન લંબાવવાની શકયતા : સર્વપક્ષીય બેઠકમાં PM મોદીનો સંકેત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
વડાપ્રધાન મોદીએ આજે સલાહ આપી હતી કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન વધારી શકાય છે અને દેશમાં કોરોના વાયરસનો ચેપનો પ્રસાર થવા વચ્ચે ૧૪મી એપ્રિલે એક જ વખતમાં અંકુશો ઉઠાવી લેવામાં નહીં આવે. તમામ પક્ષોના નેતાઓ સાથે વીડિયો બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રીઓનો સંપર્ક સાધશે પરંતુ લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલવું શક્ય નથી. વડાપ્રધાને એમ કહેતા ઉમેર્યું હતું કે, આગામી સમયમાં કોરોના પહેલા અને કોરોના પછી પણ ધ્યાન રાખવું પડશે જેથી કોરોના બાદ જીવન ફરી એવું જ થઇ શકશે નહીં. વીડિયો કોન્ફરન્સમાં રાજકીય પાર્ટીઓને વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોના બાદ પણ સાવચેતી રાખવાની જરૂર રહેશે જે અંતર્ગત અનેક વ્યવહારિક, સામાજિક અને વ્યક્તિગત ફેરફાર કરવા પડશે. વડાપ્રધાને કહ્યું કે, સરકારની પ્રાથમિકતા એ છે કે, દરેકે દરેકનો જીવ બચાવવો. દેશમાં હાલ સામાજિક ઇમરજન્સી જેવી સ્થિતિ છે જેનાથી આકરા નિર્ણયો જરૂરી છે અને આપણે રક્ષકની ભૂમિકા ચાલુ રાખવી પડશે.
કોરોના વાયરસના રોગચાળાને અટકાવવા ૧૩૦ કરોડ લોકોને લોકડાઉન કરવાની ફરજ પડી હતી અને તેની અવધિ ૧૪મી એપ્રિલે પુરી થાય છે તથા વડાપ્રધાન તેની મર્યાદા વધારવા અંગે આ અઠવાડિયામાં જ નિર્ણય લે તેવી શક્યતા છે. કોઇ નિર્ણય લેતા પહેલા તેઓ શનિવારે મુખ્યમંત્રીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ કરશે. ઘણા રાજ્યો અને નિષ્ણાતોએ આ લોકડાઉન વધારવાની ભલામણ કરી છે જેમાં વાયરસના કેસો ઝડપથી વધવા અને એવી ચેતવણી પણ આપી હતી કે, આગામી અઠવાડિયાઓમાં આ વાયરસનો ચેપ વધી શકે છે. હજારો પરપ્રાંતિય કામદારોની કટોકટી એ છે કે હાલમાં બેરોજગારી વધી રહી છે અને એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ફરી ખોલવા સરકાર પર મૃતપ્રાય થયેલા ઉદ્યોગો દબાણ કરી રહ્યા છે. ચર્ચાની યોજનાઓમાં કોરોના વાયરસ હોટસ્પોટને સીલ કરવા તથા દેશના અન્ય વિસ્તારોને છૂટ આપવા અંગે પણ વિચારણા થઇ હતી. મંગળવારે મંત્રીઓના સમૂહે એવી સલાહ આપી હતી કે, વધુ અઠવાડિયાઓ માટે શાળાઓ, કોલેજો અને ધાર્મિક સંસ્થાનો બંધ રાખવા જોઇએ. જોકે એવી પણ શક્યતા ઓછી છે કે, દેશમાં કોઇપણ જગ્યાએ રેલવે પ્રવાસ, બસ, મેટ્રો અને ધાર્મિક મેળાવડાને પરવાનગી આપવામાં આવે. દેશમાં કોરોના વાયરસના કેસો વધીને ૫૪૦૦ને પાર કરી ગયા છે જ્યારે ૧૫૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે.
વડાપ્રધાન મોદીએ એવા પક્ષોના નેતાઓ સાથે વાત કરી હતી જેમના સંસદના બંને ગૃહોમાં પાંચથી વધુ સભ્યો હોય. વીડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના ગુલામનબી આઝાદ, તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંધોપાધ્યાય, શિવસેનાના નેતા સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, બીએસપી નેતા સતીશચંદ્ર મિશ્રા, એલજેપીના ચિરાગ પાસવાન, એનસીપીના શરદ પવાર અને ડીએમકેના ટીઆર બાલુ પણ આ નેતાઓમાં સામેલ હતા. ગયા અઠવાડિયે પીએમે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત કેટલાક અન્ય નેતાઓ સાથે વાત કરી હતી અને દેશમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવાના ઉપાયો અંગે સલાહ માગી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પ્રણવ મુખરજી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ તથા એચડી દેવગૌડા સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.

કોરોના વાયરસ લોકડાઉન વધારવા મુંબઇ તૈયાર : રિપોર્ટ

મહારાષ્ટ્રના ત્રણ સિનિયર અધિકારીઓ અનુસાર ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં લોકડાઉનના પગલાં વધારવાની તૈયારી કરી લેવાઇ છે કારણ કે, શહેરમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને રોકવા માટે ટેસ્ટિંગ વધારવા સત્તાવાળાઓ ૩૦મી એપ્રિલ સુધી આ મર્યાદા વધારે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી દ્વારા ૨૪મી એપ્રિલે રોગચાળા સામે લડવા માટે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી જેની મર્યાદા ૧૪મી એપ્રિલે પૂરી થાય છે. પરંતુ ૨ કરોડથી વધુ વસ્તી ધરાવતું મુંબઇ ભારતમાં કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે. શહેરી વિસ્તાર અને ઉપનગરમાં અત્યારસુધી ૭૮૨ કેસો નોંધાયા છે અને ૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેમ બુધવારે જારી કરેલા હેલ્થ બૂલેટિનમાં જણાવાયું હતું. રાજ્યના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઇમાં ઝડપથી કેસો વધી રહ્યા છે. માત્ર ૨૪ કલાકમાં મંગળવારે ૧૦૦ કેસો નોંધાયા હતા. તેમણે ઉમેર્યું કે, આ સંકેત ચેતવણી છે અને વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવનારા શહેરોમાંથી એક આ શહેરમાં વાયરસ ફેલાવાથી રોકવા માટે આગામી બે અઠવાડિયા સુધી લોકડાઉન વધારવાની જરૂર છે. આ અંગે મુંબઇ મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર દ્વારા કોઇ ખુલાસો કરાયો નથી.

PMએ સ્પષ્ટ કહ્યું છે કે, એકસામટે લોકડાઉન ઉઠાવાશે નહીં : બીજેડી નેતા

બીજુ જનતા દળના નેતા પિનાકી મિશ્રાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, કોરોના વાયરસના પ્રકોપને રોકવા કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને ૧૪મી એપ્રિલે એકસામટે ઉઠાવાશે નહીં. પીએમે કહ્યું છે કે, રોગચાળા પછી પણ જીવન કોરોના વાયરસ પહેલા જેવું રહેશે નહીં. દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવા માટે વાયરસ અસરગ્રસ્ત બનેલા ૧૫ જિલ્લાઓને સંપૂર્ણ રીતે સીલ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં નોઇડા, ગાઝિયાબાદ, લખનઉ, મેરઠ, આગરા, શામલી સહિતના જિલ્લાઓ સામેલ છે.

ઉત્તરપ્રદેશમાં લોકડાઉન વધવાની શક્યતાના ભયે બેંકો બહાર કતારો લાગી

દેશવ્યાપી લોકડાઉ વધી શકે તેવા સમાચાર ચેનલો અને અખબારોમાં સંકેત આવતા બુધવારે ઉત્તરપ્રદેશમાં લોકોએ બેંકો બહાર કતારો લગાવી હતી. બીજી તરફ બેંકો બહાર ભીડ જામતા ઉત્તરપ્રદેશ પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આકરી મહેનત કરવી પડી હતી. બેંકો બહાર ઉભેલા લોકોમાંથી એકે કહ્યું કે, હું અહીં છેલ્લા ૪૦ મિનિટથી ઊભો છું. અમારા માટે કોઇ બેંચ કે ખુરશી નથી. ઉપરાંત સૂર્ય અમારા માથે તપી રહ્યો છે. રાહ જોવામાં કોઇ મુશ્કેલી નથી પરંતુ સિનિયર સિટિઝન માટે કોઇ વ્યવસ્થા હોવી જોઇએ. અન્ય એક ગ્રાહકે કહ્યું કે, લોકડાઉન વધવાના સમાચારોની દહેશત વચ્ચે હું બેંકમાં નાણા ઉપાડવા આવ્યો છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks