૨૦૩૬ સુધીમાં ભારતની વસ્તી વધીને ૧.૫૨ અબજ થઇ જશે

 

(એજન્સી) તા.૧૭
ભારતની વસ્તીના પ્રોજેક્શન પર રચવામાં આવેલ એક ટેકનિકલ ગ્રુપના આખરી અહેવાલ અનુસાર ૨૦૩૬ સુધીમાં ભારતની વસ્તી વધીને ૧.૫૨ અબજ થઇ જશે અને શહેરી વિસ્તારોમાં ૭૦ ટકાનો વધારો થશે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના સંદર્ભમાં ભારતની વસ્તી ૨૫ ટકા વધીને ૨૦૩૬ સુધીમાં ૧.૫૨ અબજને આંબી જશે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય વસ્તી આયોગ (એનસીપી) દ્વારા ૨૦૧૧થી ૨૦૩૬ સુધીના સમયગાળા માટે વસ્તીના પ્રોજેક્શન તૈયાર કરવા માટે આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. આ પ્રોજેક્શન અનુસાર ભારતનો વસ્તી વૃદ્ધિ દર સ્વાતંત્ર બાદ ૨૦૧૧-૨૦૨૧ના દાયકામાં સૌથી ઓછો ઘટવાની અપેક્ષા છે અને દાયકાનો વૃદ્ધિ દર ૧૨.૫ ટકા રહેશે. ૨૦૨૧-૨૦૩૧ના દાયકા સુધીમાં તેમાં વધુ ઘટાડો થઇને ૮.૪ ટકા થશે. આ પ્રોજેક્શન અનુસાર ૨૦૨૧ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ રાખીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. વસ્તી અંગેના પ્રોજેક્શનમાં ઘણો વિલંબ થયો છે. વાસ્તવમાં આ પ્રોેજેક્શન ૨૦૧૬ સુધીમાં જાહેર કરવા જોઇતા હતાં પરંતુ સમિતિની રચનામાં વિલંબ થયો હતો. ત્યારબાદ રિપોર્ટ સુપરત કર્યા બાદ સરકારના પક્ષે વધુ વિલંબ થયો હતો. સમિતિના એક સભ્યએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે અમે અમારો રિપોર્ટ નવે. ૨૦૧૯માં સોંપી દીધો હતો. અન્ય બે સભ્યોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતની વસ્તી ૧.૨૧ અબજ હતી અને હવે પ્રોજેક્શનના અંદાજ અનુસાર ૨૦૩૬ સુધીમાં વસ્તીમાં ૩૧૧ મિલીયનનોે વધારો થશે. આ રિપોર્ટ અનુસાર વસ્તી વધારામાં ૭૦ ટકા વધારો શહેરી વિસ્તારોમાં થશે. ભારતની શહેરી વસ્તી ૨૦૧૧માં ૩૭૭ મિલીયન હતી તે વધીને ૫૭ ટકાના વધારા સાથે ૨૦૩૬માં ૫૯૪ મિલીયન થશે. આમ ૨૦૧૧માં ૩૧ ટકા ભારતીયો શહેરી ભારતમાં રહેતાં હતાં તે હવે વધીને ૨૦૩૬માં ૩૯ ટકા થશે અને તેના પરિણામે ગામડાઓની વસ્તી ૬૯ ટકાથી ઘટીને ૬૧ ટકા થશે. દક્ષિણના પાંચ રાજ્યોમાં વસ્તીમાં માત્ર ૯ ટકાનો વધારો થશે અને આ પાંચેય રાજ્યોમાં મળીને કુલ ૨૯ મિલીયન વસ્તી વધશે જે એકલા ઉ.પ્ર.ના વધારાથી પણ ૫૦ ટકા ઓછો વધારો હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks