૩૦મી સપ્ટેમ્બર સુધી ઉત્તરપ્રદેશમાં કોઈ સામાજિક, ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય, સપ્તાહના અંતે લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે

(એજન્સી) લખનૌ, તા.૨૯
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કહ્યું છે કે, સરકાર કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને ૩૦ સપ્ટેમ્બર સુધી કોઈપણ ધાર્મિક કે, જાહેર કાર્યક્રમો યોજવાની મંજૂરી આપશે નહીં. અતિરિક્ત મુખ્ય સચિવ અવનિશકુમાર અવસ્થીએ કહ્યું કે, યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લા મેજિસ્ટ્રેટોને ૩૦ સપ્ટેમ્બર સુધી ધાર્મિક અથવા જાહેર કાર્યક્રમોની મંજૂરી નહીં આપવા જણાવ્યું હતું.
અવસ્થીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે અધિકારીઓને પણ શનિવાર અને રવિવારે બજારો બંધ કરવા સહિતના નિયંત્રણોનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. વહીવટીતંત્રે બજારોના સાપ્તાહિક બંધ દરમિયાન તમામ જિલ્લાઓમાં સઘન સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને ફોગિંગ અભિયાન ચલાવવા પણ જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસની ચેઈન તોડવાના પ્રયાસમાં આ અભિયાન મહત્ત્વપૂર્ણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય પોલીસે માર્ચ મહિનાના અંતથી દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રોગચાળાને લગતા નિયમો અને પ્રતિબંધોનો ભંગ કરનાર લોકો પાસેથી ૭૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
પોલીસે ૬૯,૭૬૫ વાહનો કબજે કર્યા હતા અને કલમ ૧૮૮ હેઠળ ૨.૫ લાખ લોકો સામે એફઆઈઆર નોંધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને ૧૫,૪૭૧ થઈ ગઈ હતી અને આરોગ્ય ટીમોએ ૧૪.૩૫ લાખ ઘરો અને ૮૨.૩૫ લાખ લોકોનું સર્વેક્ષણ કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks