૩ કરોડના ડોલર્સ સાથે જેટ એરવેઝની એર હોસ્ટેસ વિમાનમાંથી ઝડપાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર હોસ્ટેસ જ હવાલા કારોબારી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ડીઆરઆઈના અધિકારીઓએ જેટ એરવેઝની એક એર હોસ્ટેસને લગભગ ૩.પ કરોડ રૂપિયાના વિદેશી નાણાં સાથે ઝડપી લીધી છે. તેણે ફૂડ પેકેટમાં એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને ૮૦ હજાર અમેરિકી ડોલર રાખ્યા હતા. આ રકમ દિલ્હીથી હોંગકોંગ જતી ફલાઈટમાં રાખવામાં આવી રહી હતી. ડીઆરઆઈને સૂચના મળી હતી કે એરપોર્ટ પર તૈનાત કર્મચારીઓની મિલીભગતથી હવાલા કારોબારી મોટા પ્રમાણમાં દેશની બહાર વિદેશ નાણું મોકલી રહ્યા છે ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા એરહોસ્ટેસે સ્વીકાર કરી લીધું છે કે તે પ૦ ટકાની ભાગીદારી પર આ કામ કરી રહી હતી. તેણે જણાવ્યું કે, આ કામ તે લાંબા સમયથી કરી રહી હતી. તેની પાસેથી મળેલી સૂચનાના આધારે ડીઆરઆઈ ઘણા અન્ય સ્થળો પર પણ દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ડીઆરઆઈ સહિત જુદી જુદી એજન્સીઓ આ બાબતની તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલી રકમ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવાઈ માર્ગથી હવાલા કારોબાર એ કોઈ નવી બાબત નથી. ગત વર્ષે ર૦૦ કિ.ગ્રા.થી વધુ સોનું દેશના જુદા-જુદા એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસોમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ કોઈ એર હોસ્ટેસ તરફથી આ રીતે વિદેશી નાણાની તસ્કરી કરવાનો કદાચ આ પહેલો કિસ્સો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks