વડોદરા, તા.૨૩
રાજ્ય સરકાર તથા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરના વિવિધ રોડ રસ્તા બનાવવા આપવામાં આવેલી ૪૫ કરોડની ગ્રાન્ટ કોન્ટ્રાકટર દ્વારા ખોટી રીતે વેડફી નાખી શહેરનાં રોડ-રસ્તાઓની હાલત જેસે થે વેસે હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં કાઉન્સીલર ગુલામફરીદ લાખાજીવાલા (કટપીસવાલા)એ કરી મેયરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. કોંગી કાઉન્સીલર ગુલામફરીદ લાખાજીવાલા (કટપીસવાલા)એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકાર તરફથી રી-સરફેસીંગનાં કામો માટે ૪૫ કરોડની ગ્રાન્ટ વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનને આપવામાં આવી હતી. જે ગ્રાન્ટમાંથી બનેલા નવીન રોડ-રસ્તા બનાવવામાં ગેરરીતિઓ થઇ છે. વિવિધ રોડ-રસ્તાઓ સારા હતા ત્યાં પણ ફરીથી બનાવી ગ્રાન્ટનાં પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય નવીન બનાવેલા રસ્તાઓ થોડા સમયમાં જ ફરીથી જર્જરીત બની ગયા છે. જે અંગે આર.ટી.આઇ. કરતાં તેમાં પણ આ માહિતી મળી હતી. આ અંગે કાઉન્સીલર ગુલામફરીદ કટપીસવાલાએ મેયરને આવેદનપત્ર આપી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.