૮૪ વર્ષના થયા અબ્દુલ્લાહ અને ઇડીએ એ જ દિવસે JKCA મની લોન્ડરિંગ કેસમાં ૫ કલાક પૂછપરછ કરી

(એજન્સી) તા.૨૧
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા.. એક સપ્તાહમાં બીજી વખત ફારૂક અબ્દુલ્લાની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કરોડોના કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના કેસમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફરતે ગાળિયો કસાયો છે.
૮૪ વર્ષીય અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ૧૯ ઓક્ટોબરના પણ ઈડીએ તેમની ૫ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સોમવારે થયેલી પૂછપરછ બાદ અબ્દુલ્લાએ જણાવ્યું કે તેઓ સહેજ પણ ગભરાતા નથી અને તપાસમાં સહકાર આપશે. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના જૂના રાજકીય પક્ષો નેશનલ કોન્ફરન્સ તેમજ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ અબ્દુલ્લાના નિવાસ સ્થાને બેઠક યોજીને ક્ષેત્રમાં ગઠબંધન માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ ફારૂક અબ્દુલ્લાને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ઈડી દ્વારા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત ફ્રોડ થયું તેમાં અબ્દુલ્લાની ભૂમિકા અને તેમણે લીધેલા નિર્ણયો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ ફાઈલ કરેલી એફઆઈઆરના આધારે ઈડી તપાસ કરી રહ્યું છે. સીબીઆઈએ એસોસિએશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન તેમજ પૂર્વ ખજાનચી અહેસાન અહેમદ મિર્ઝા સહિતના સત્તાધીશો સામે કેસ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનને બીસીસીઆઈના ગ્રાન્ટમાંથી મળતા નાણાંના હિસાબમાં રૂ. ૪૩.૬૯ કરોડનો ગોટાળો કર્યો હતો. સીબીઆઈએ અબ્દુલ્લા, ખાન અને મિર્ઝા સહિત પૂર્વ ખજાનચી મીર મન્ઝૂર ગઝનફ્ફર અલી તેમજ પૂર્વ હિસાબનીશ બશીર અહેમદ મીસગર તેમજ ગુલઝાર અહેમદ બૈગ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે આ પૂછપરછ મામલે નારાજગી વ્યક્ત કરતાં તેમના દીકરા ઓમર અબ્દુલ્લાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે મારા પિતા આ દિવસે જ ૮૪ વર્ષના થયા છે અને તે દિવસે જ તેમની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન એનસીના પ્રવક્તા ઈમરાન નબીદારે એક નિવેદન જાહેર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો અસંતોષ વ્યક્ત કરે છે કે પછી દમન કે ખોટાં થવા સામલે અવાજ ઊઠાવે છે તેમને વિભાજનકારી રાજનીતિ દ્વારા ભાજપ દબાવવાનો પ્રયાસ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts