હૈદરાબાદ તા. ૨૪
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપઘાત કરનાર દલિત વિદ્યાર્થી રોહીત વેમુલાની માતાએ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા ૮ લાખના વળતરને ફગાવી દઈને સરકાર સમક્ષ એવો સવાલ ખડો કર્યો હતો કે અમારે તમારા ૮ લાખ તો શું પણ ૮ કરોડ પણ નથી જોઈતા પરંતુ અમને એ વાતનો જવાબ આપો કે વડાપ્રધાન મોદી ૫ દિવસ સુધી મોન કેમ રહ્યાં. શુક્રવારે લખનઉમાં વડાપ્રધાન મોદીએ યુનિવર્સિટીના દીક્ષાન સમારોહમાં બોલતાં એવું જણાવ્યું હતું કે મને રોહીતના મોતનું ઊંડું દુખ લાગ્યુ અને હું રોહીતના પરિવારની પર તૂટી પડેલી આફતને સારી રીતે સમજી શકું છું. વડાપ્રધાને એવું પણ કહ્યું હતું કે રોહીત ભારત માતાનો પુત્ર હતો. સમાચાર સંસ્થા પીટીઆઈએ રોહિતા પિતાને ટાંકીને એવું કહ્યું હતું કે વડાપ્રધાન સાથે વાત કરી શકું તેટલો મોટો તો હું નથી પરંતુ મને એ વાતનો જવાબ આપો કે વડાપ્રધાન ૫ દિવસ સુધી મોન કેમ રહ્યાં. રોહીતની માતા રાધિકાએ એવું કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાંચ દિવસ પછી મુલાકાત લીધી હતી. ઘટના બન્યે પાંચ દિવસ વીતી ગયા તેમ છતાં હવે મુલાકાત શા માટે. તમે પણ એક મહિલા છો, માતા છો તો પછી રોહિતના મોતના પાંચ દિવસ પછી તમે મુલાકાત લીધી તેમ રોહીતની માતાએ સ્મૃતિ ઈરાનીને જણાવ્યું હતું. રોહીતની માતાએ એવો સવાલ ખડો કર્યો કે હું જાણવા માંગુ છું કે શું રોહીતે આપઘાત કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોહીતને શા માટે કાઢી મૂકવામાં આવ્યો, શું જવાબદાર લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવામાં આવી છે. રાધિકાની માતા નીલીમા અને ભાઈ રાજુએ એવી માંગણી કરી હતી કે રોહીતના મોત માટે જવાબદાર તમામ લોકોની સામે કેસ દાખલ કરવો જોઈએ. નીલીમાએ એવું કહ્યું કે અમારે યુનિવર્સિટી પાસેથી ૮ કરોડ નથી લેવા.