(એજન્સી) નવી દિલ્હી, તા.૨
સેનાના ૩ સશસ્ત્ર દળોને ૯૦૯૬થી વધુ અધિકારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે રાજ્ય સંરક્ષણ મંત્રી સુભાષ ભામરેએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, પહેલી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી સેનામાં અધિકારીઓની સત્તાવાર સંખ્યા ૪૯,૯૩૩ હતી, જ્યારે કુલ ૪૨,૬૩૫ અધિકારીઓ છે. અહેવાલ મુજબ, નેવીમાં અધિકારીઓના કુલ પદો ૧૧,૩૫૨ છે, જેમાં હજુ પણ ૯,૭૪૬ પદો પર અધિકારીઓ તૈનાત છે.
બીજી તરફ, વાયુ સેનામાં અધિકારીઓના કુલ પદો ૧૨,૫૮૪ છે. પરંતુ, તેમાં પણ ૧૫૨ પદો ખાલી પડ્યા છે. લશ્કરના અધિકારીઓના કુલ પાડો ૪૯,૯૩૩ છે, જેમાંથી ૭૨૯૮ પદો હજુ ખાલી પડ્યા છે. સરહદ સંરક્ષણ સહકાર કરાર માટે ચીન પાસેથી કોઈ પ્રસ્તાવ મેળવ્યો છે કે નહિ, તેના જવાબમાં મંત્રીએ નકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ૨૩ ઓકટોબર, ૨૦૧૩ના રોજ ભારત અને ચીનની વચ્ચે સરહદ સંરક્ષણ સહકાર અંગેના એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન પાસેથી સંરક્ષણ સહકાર માટે કોઈ નવો પ્રસ્તાવ મળ્યો નથી. તેમણે કહ્યું કે, સરકારે ચીનની સાથે સંરક્ષણ સહકાર મજબૂત બનાવવા માટે ઘણાં પગલાં ભર્યા છે, જેમાંથી સૈન્ય આદાન-પ્રદાનને વધારવા માટે ભારત-ચીન સરહદની સાથે શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવી વગેરે બાબતો સામેલ છે.