અમદાવાદ,તા.રર
તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરેલા એક મહિનામાં વડોદરા, મુંબઈ એકસપ્રેસ હાઈવેનું કામ શરૂ થશે. એવા નિવેદનને વખોડી કાઢી ખેડૂત સમાજ ગુજરાતના મહામંત્રી સાગર રબારીએ આ નિવેદનને આગામી ચૂંટણીમાં લોકોને છેતરવાનો રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું કે, આગામી એક મહિનામાં વડોદરા, મુંબઈ એકસપ્રેસ હાઈવેનું કામ ચાલુ થઈ જશે. આ નિવેદનથી અસરગ્રસ્ત ખેડૂતો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એકસપ્રેસ હાઈવે માટેના જમીન સંપાદન સામે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવેલો છે. આમ છતાં, સરકારે આગળ વધી પર્યાવરણીય લોકસુનાવણી યોજી તેમાંય ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. દક્ષિણ ગુજરાતની સાંકડી પટ્ટીમાં ઇસ્ટર્ન હાઈવે, સિકસલેન નેશનલ હાઈવે છે, અને હજી લેન વધારવી હોય તો બંને તરફ જગ્યા છે તેવા સંજોગોમાં નવો હાઈવે બનાવી ફળદ્રુપ બાગાયતી જમીન ખરાબ કરવાનો કોઈ અર્થ નથી. ખેડૂતોના વિરોધ છતાં, એમણે ઊઠાવેલા વાજબી મુદ્દાઓનો સંતોષકારક જવાબ આપ્યા વગર જ સરકારે પર્યાવરણીય લોકસુનાવણી હાથ ધરી હતી. અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત સમાજ (ગુજરાત)ના વિરોધ વાંધાઓની અવગણના થતા ખેડૂત સમાજ એકસપ્રેસ હાઈવેની પર્યાવરણીય લોક સુનાવણી સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગયો છે. હજી સુધી કોઈપણ પ્રકારની જમીન સંપાદનની કાર્યવાહી થઈ નથી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એકસપ્રેસ હાઈવેના કામ સામે સ્ટેટસ કો નો ઓર્ડર આપ્યો છે. આવા સંજોગોમાં, કેન્દ્રીય મંત્રી કેવી રીતે ખાતરી આપે છે કે એક મહિનામાં કામ શરૂ થઈ જશે ? શું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આગામી ચુકાદો જાણે છે ? ગુજરાતમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં લોકોને લલચાવવા અને ભ્રામક વિકાસનું વધુ એક સપનું બતાવી ઝડપથી સરકી રહેલી સત્તા બચાવવાનો કેન્દ્રીય મંત્રીનો આ રાજકીય સ્ટંટ, સત્તા બચાવવાનું હવાતિયું માત્ર છે.