અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા પાસેના એમ.એલ.એ.કવાટર્સ પાસેથી પસાર થતી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની મુખ્ય લાઈનમા છેલ્લા એક સપ્તાહથી ભંગાણ પડયુ છે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા તંત્રના અધિકારીઓ સમક્ષ અનેક રજુઆત કરવામા આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામા આવી નથી.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વહીવટીતંત્ર કેટલી હદે ખાડે જવા પામ્યુ છે તેનો વધુ એક વરવો નમુનો બહાર આવવા પામ્યો છે.જેમા શહેરના અસારવા વિસ્તારમા આવેલા હોળી ચકલા પાસેના એમ.એલ.એ.કવાટર્સ પાસેથી પસાર થઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઈનમાં આજથી એક સપ્તાહ પહેલા ભંગાણ પડવા પામતા આ લાઈનમાંથી રોજ હજારો લિટર પાણી રોડ ઉપર વહીને વેડફાઈ રહ્યુ છે.આ મામલે આ વિસ્તારમા રહેતા સ્થાનિક રહીશો દ્વારા તંત્રના અધિકારીઓ દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા સ્થાનિક રહીશોની મુશ્કેલીમા વધારો થવા પામ્યો છે.બીજી તરફ હજુ પૂર્વઝોનમાં ખોખરા અને હાટકેશ્વર વોર્ડમાં નવા બનાવવામા આવેલા હાટકેશ્વર ફલાય ઓવરબ્રિજ નીચેના ભાગમા ગટરલાઈનમા ભંગાણ પડવાના કારણે છેલ્લા પંદર દિવસથી પણ વધુ સમયથી અનેક સોસાયટીઓ, ફલેટો અને ચાલીઓમા આવેલા મકાનોમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે.આ મામલે પૂર્વઝોનના એડીશનલ સીટી ઈજનેર એચ.ટી.મહેતા દ્વારા ગુરૂવારના રોજ એવી વાત કરવામા આવી હતી કે,જેમ બને એમ ઝડપથી આ ગટરલાઈનમાં પડેલા ભંગાણના સમારકામની કાર્યવાહી તંત્ર તરફથી હાથ ધરવામા આવશે. આમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનની પાણી અને ગટરની લાઈનોંમા ભંગાણ પડવાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.