જૂનાગઢ, તા. ૧૮
જૂનાગઢમાં વાંઝાવાડમાં બે યુવાનોના અપહરણ અને હત્યા તથા એક યુવાનના હત્યાનો પ્રયાસ કરાયાના પ્રકરણમાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર સહિત બે શખ્સોને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં થયેલી ચોરીની શંકાને પગલે ખારવા કોળી, મુન્ના બચુ સહિતના શખ્સોેએ રોહિત રમેશ વાઘેલા અને સિરાજ ઉર્ફે ઉંદરડી તથા કિશન ઉર્ફે બીટુનું અપહરણ કરી ગોંધી રાખી વીજ શોક આપ્યો હતો. ત્યારબાદ સિરાજ ઉર્ફે ઉંદરડી તથા કિશન ઉર્ફે રમેશ પરમારની હત્યા કરી લાશ કોથળામાં ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે અગાઉ રાકેશ ઉર્ફે મુન્ના બચુ, શૈલેષ ઉર્ફે ટાટમ તથા સંજય ઉર્ફે બગીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ પ્રકરણમાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર મહિપત નાજ બસીયાની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને હજુ દસેક જેટલા શખ્સો ફરાર હોવાનું ડીવાયએસપી એમ.એસ. રાણાએ જણાવ્યું હતું.