રાજ્યમાં હવે ચેઈન સ્નેચીંગ બદલ ૧૦ વર્ષ સુધીની કેદની આકરી સજા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૩
રાજયભરમાં ચેઈન સ્નેચીંગના વધતા જતા બનાવોને ડામવાના પગલા લેવામાં હમણા સુધી નિષ્ફળ રહેલ સરકારે હવે આ દિશામાં કડક અભિગમ અપનાવી આગળ વધવાનો નિર્ણય લીધો છે. મહિલાઓના મંગળસૂત્ર, સોનાની ચેઈન સહિતના ઘરેણાઓ ખેંચી જવાના (સ્નેચીંગના) બનાવોને અંકુશમાં લેવા રાજય સરકારે કડક કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે ચેઈન સ્નેચીંગના બનાવોમાં આરોપીને ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવનાર છે. ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું છે કે મહિલાની સુરક્ષા માટે સરકાર દ્વારા મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચીંગની ઘટનાને અંકુશમાં લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજય સરકાર વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે. તેમણે જણાવ્યું છે કે મંદિર પરિસર, બેંક આસપાસ, શોપીંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જોહર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યકિતઓ પાસેથી ચેઈન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી ચોર નાસી છુટતા હોય છે. આથી રાજય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં અત્યારે આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં ૩ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. હવે આ સજામાં વધારો થવાની ચેઈન સ્નેચીંગના ગુનામાં ઘટાડો થવા સાથે જાનમાલનું રક્ષણ થશે. હવે ચીલ ઝડપ કરનારને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા રપ હજારનો દંડ કરવામાં આવશે. આ વટહુકમ દ્વારા ચેઈન સ્નેચીંગ સહિતની વસ્તુ ચોરનારને છ વર્ષની જેલ અને રૂપિયા રપ હજારનો દંડ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks