પાલિતાણાના લુવારવાવના બળાત્કારીને ભાવનગર કોર્ટે ફટકારી ૧૦ વર્ષની સજા

ભાવનગર, તા.૯
બે વર્ષ પૂર્વે પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામના એક શખ્સે એક સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પાલિતાણા પોલીસ મથકમાં જે તે સમયે ભોગ બનનાર સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને પાંચમાં એડિશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી જુદી-જુદી કલામો હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રોકડા રૂા.૧૩ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી રામજી વિનુભાઈ કવાડ કોળી (ઉ.વ.ર૦, રે. લુવારવાવા, તા.પાલિતાણા) નામના શખ્સે આ કામના ફરિયાદી-ભોગ બનનાર ૧૬ વર્ષીય સગીરા ઉપર ગત તા.પ-૪-૧૬ના રોજ બપોરના સુમારે જબરજસ્તી ખેંચી લઈ જઈ એક મકાનમાં લઈ જઈ ગેરકાયદેસર અટકાયતમાં રાખી, છરી બતાવી, બળાત્કાર કરી, આ બનાવની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ જે તે સમયે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પાલિતાણા પોલીસે આરોપી રામજી વિનુ કવાડ સામે ઈપીકો કલમ-૩૭૬, ૩૪ર, પ૦૬(ર), તથા પોકસો એકટ-ર૦૧રની કલમ-૪, ૮, ૧ર મુજબનો ગુનો નોંધ્યો હતો.
આજરોજ આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને પાંચમાં એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા આરોપી રામજી વિનુ કવાડને તકસીરવાન ઠરાવી ઈપીકો કલમ-૩૭૬(ર)(આઈ) મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦ હજારનો રોકડ દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા, આઈપીસી કલમ-પ૦૬(ર) મુજબના ગુના સબબ આરોપીને બે વર્ષની સજા અને રોકડા રૂા.બે હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા, આઈપીસી કલમ-૩૪ર મુજબ આરોપીને એક વર્ષની સજા અને રોકડા રૂા. એક હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, જ્યારે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોકસો) એકટ-ર૦૧રની કલમ-૪ મુજબના ગુનામાં અલગથી સજા કરવામાં આવી નથી. જ્યારે આરોપી દંડની રકમ ભરે તે પૈકીની રૂા.૧૦ હજારની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks