૧૦૦ કરોડ હિંદુઓ ભાજપ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરે : શિવસેના

ભાજપે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને ધર્મનિરપેક્ષ જાહેર કરી હિંદુઓ સાથે દગો કર્યો : સામનામાં મોદી સરકાર પર પ્રહાર

મુંબઈ,તા.૯

શિવસેનાએ સોમવારે ભારતના તમામ ૧૦૦ કરોડ હિંદુઓને જણાવ્યું હતું કે ભાજપે ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને ધર્મનિરપેક્ષ જાહેર કરી વિશ્વાસઘાત કર્યો છે અને ચરિત્ર હનન કર્યું છે અને આ બદલ હિંદુઓએ ભાજપ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઈએ. શિવસેનાએ સામનામાં તંત્રીલેખમાં જણાવ્યું હતું કે ભારત હવે એક હિંદુ રાષ્ટ્ર છે અને લોકોએ ભાજપને આજ આધાર પર પસંદ કર્યો છે. ત્યાં અચાનક હવે ધર્મનિરપેક્ષ દેશ કેવી રીતે બની ગયો? શું હિંદુઓનો આ ધરતી પર એક ઈંચ જમીન પર પણ અધિકાર નથી ?

મહારાષ્ટ્રની સરકારમાં ગઠબંધનમાં રહેલી શિવસેનાએ જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈ હતી ત્યારે દુનિયાભરમાં ઉજવણી થઈ હતી કે હિંદુત્વ સરકાર હવે અસ્તિત્વમાં આવી ગઈ છે. તંત્રીલેખ અનુસાર તાજેતરમાં જ એટોર્ની જનરલ મુકુલ રોહતગી એ જીનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંમેલનમાં જણાવ્યું હતું કે ભારત કોઈ સત્તાવાર રાજધર્મ વિના ધર્મનિરપેક્ષ છે. ચોેકાવનારી વાત એ છે હિંદુઓની પીઠ પર ઘા સમાન આ બાબત છે.

ભાજપને સમગ્ર ભારત અને ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં હિંદુત્વના મુદ્દે સફળતા મળી છે. તંત્રીલેખ અનુસાર રામ મંદિર બનાવવા અથવા ગાયની રક્ષાના વાયદા હિંદુ મતો મેળવવા માટે ફક્ત રાજકીય ચાલ સાબિત થઈ જશે, બીજું કાંઈ નહિ. અત્યારસુધી જવાહરલાલ નહેરૂની ધર્મનિરપેક્ષ નીતિઓને ભારતની તમામ સમસ્યાઓ માટે દોષી ઠરાવાતી હતી. ધર્મનિરપેક્ષતાનો ઉપયોગ હિંદુત્વવાદી શક્તિઓને હરાવવા માટે કરવામાં આવ્યો હતો. એવા સમયે જ્યારે હિંદુત્વ સરકાર સત્તામાં આવી ત્યારે એવું મનાતું હતું કે ધર્મનિરપેક્ષતા હંમેશા માટે દફન થઈ જશે. પણ તેમ ન થયું અને અમે જાહેરમાં પોતાને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં ગર્વ અનુભવી રહ્યા નથી. દુનિયામાં ૫૬ ઈસ્લામી દેશ છે તથા અમેરિકા અને રશિયા જેવા ઈસાઈ દેશો છે.ચીન, જાપાન, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશો બૌદ્ધ છે પરંતુ સમગ્ર ધરતી પર એક પણ દેશ હિંદુ રાષ્ટ્ર નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts