ભાવનગર, તા.૩૧
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગત તા.૨૩મી ઓકટોબરના રોજ રાત્રીના સુમારે વીએચપીના પ્રમુખ જયેશ ગુજરિયા અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો થતાં જેમાં ભાવનગરની હોસ્પિટલમાં જયેશ ગુજરિયાનું મોત નિપજતા મહુવા શહેરમાં અજંપો ફેલાઈ ગયો હતો. કેટલાક સ્થળો ઉપર તોફાની તત્ત્વોએ તોડફોડ અને આગચંપી કરી અશાંતિ ફેલાવી દીધી હતી. આ તોફાનોને કારણે મહુવા શહેર બે-ત્રણ દિવસ બંધ રહ્યું હતું. આ ઘટના ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલે તાત્કાલિક એક્શન લઈ મહુવા ખાતે એસઆરપી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં ભાવનગરની એલસીબી, એસઓજી તેમજ મહુવા સહિત આજુબાજુના તાલુકામાંથી પણ પોલીસ બોલાવી બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું હતું, તેમજ પોલીસ તંત્ર દ્વારા તોડફોડમાં સામેલ ૧૦૦ જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. હાલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મહુવા શહેરમાં સંપૂર્ણ કોમી એકતા, ભાઈચારા અને શાંતિના માહોલ સાથે શાંતિ પ્રવર્તી રહી છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના બની નથી, તેમ એસપીએ જણાવ્યું હતું.