(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૫
કર્ણાટકના બદામીમાં ભાજપ નેતાની માલિકીવાળી હોટેલમાંથી ૧૦૦૦ પોસ્ટલ બેલેટ કવર મળી આવતા સનસનાટી મચી ગઇ છે. અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે, આ પોસ્ટલ કવરો ભાજપના કાર્યકરો માટે રાખવામાં આવ્યા હતા. એક સમાચાર ચેનલ દ્વારા કહેવાયું હતું કે, ભાજપના કાર્યકરો પોસ્ટલ બેલેટ કવરો ખોલતા દેખાયા હતા. કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, ચૂંટણી પંચે આ અંગે તપાસમાં ભૂમિકા ભજવવી જોઇએ. ભાજપના નેતાની માલિકીની હોટેલ હવે શંકાના દાયરામાં આવી છે. કર્ણાટકમાં સત્તાધારી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બદામીમાંથી ચૂંંટણી લડ્યા હતા જ્યારે ચામુંડેશ્વરીમાંથી પણ તેઓ ચૂંટણી લડ્યા હતા. આ અંગેના અહેવાલો મળ્યા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટિ્વટ કરી કહ્યું હતું કે, ભાજપ વધુ ભયાનક, તેની યુક્તિઓ વધુ ભયાનક, કોઇ આટલા નીચલા સ્તરે કેવી રીતે જઇ શકે ? શું ચૂંટણી પંચ પગલાં લેશે ? કોંગ્રેસના અન્ય એક સમર્થક જોઠીમણીએ લખ્યું કે, સિદ્ધારમૈયા જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં આ ઘટના બની. અન્ય વિધાનસભા વિસ્તારોમાં પણ આ અંગે વિચારી ન શકાય. ચૂંટણી પંચની નિષ્પક્ષતા દાવ પર છે અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણીનો લોકોનો વિશ્વાસ ડગી જશે.