(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
હાર્દિક પટેલના ઉપવાસને સાતમા દિવસે શુક્રવારે હાર્દિકની તબિયત લથડી હતી. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જો કે, ઉપવાસના છઠ્ઠા દિવસથી હાર્દિકે જળનો પણ ત્યાગ કર્યો હતો ત્યારે હાર્દિકના ઉપવાસને ગામેગામ સમર્થન મળી રહ્યું છે. જેને જોતા સરકાર પણ ભીંસમાં આવી ગઈ છે. જો કે, લોકપાલ બિલ મુદ્દે વર્ષ ર૦૧૧માં દિલ્હીમાં ઉપવાસ કરનારા અન્ના હજારેએ ૧૧ દિવસના ઉપવાસ બાદ ૧રમા દિવસે પારણા કરી લીધા હતા ત્યારે હાર્દિકના ઉપવાસ ૧ર દિવસથી વધુ ચાલે તો હાર્દિકનું કદ અન્ના હજારે કરતા વધી જાય તેમ છે, એટલે ઉપવાસ આંદોલનથી હાર્દિકનું કદ વધે નહીં તે માટે ગુજરાત સરકાર ઉપવાસના ૧૧ દિવસ પહેલાં જ હાર્દિકને ઊઠાવીને સારવાર માટે દવાખાનામાં દાખલ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગ સાથે તા.રપ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં પાંચ દિવસ સુધી માત્ર પાણી પીને જ હાર્દિકે ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ૬ દિવસથી હાર્દિકે પાણીનો પણ ત્યાગ કરી ઉપવાસ શરૂ કરતાં તેની તબિયત વધુ લથડે તેવી શક્યતા વર્તાઈ રહી છે તો બીજી બાજુ હાર્દિકના ઉપવાસથી ગુજરાત સરકારનું તંત્ર દોડતું થઈ ગયું છે. ઉચ્ચ સ્તરની બેઠકો બોલાવીને કોઈપણ રીતે હાર્દિકના ઉપવાસ આંદોલનને ઠારવા માટેની વ્યુહરચના ઘડાઈ રહી છે. જો કે, ઉપવાસ આંદોલનને પણ દિવસેને દિવસે વધુ સમર્થન મળી રહ્યું છે. ગામેગામ હાર્દિકના સમર્થનમાં પાટીદારો પ્રતિક ઉપવાસ કરીને રામધૂન બોલાવી રહ્યા છે. તેને જોતા હાર્દિકનું ઉપવાસ આંદોલન સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયો છે ત્યારે હાર્દિકને રાતોરાત ઉઠાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે વ્યુહરચના ઘડી છે. જો કે, વર્ષ ર૦૧૧માં લોકપાલ બિલ મુદ્દે અન્ના હજારેએ દિલ્હીના રામલીલા મેદાનમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા. જેને સમગ્ર દેશભરમાંથી સમર્થન મળ્યું હતું ત્યારે ઉપવાસ આંદોલનમાં અન્ના હજારેએ ૧૧ દિવસ બાદ સરકારે તેમની માંગ સ્વીકારતા તેમણે ૧રમા દિવસે પારણા કર્યા હતા ત્યારે અત્યારે હાર્દિકના ઉપવાસને જો ૧રથી વધુ દિવસો થાય તો હાર્દિકનું આંદોલનકારી તરીકે અન્ના હજારે કરતા પણ કદ વધી જાય તેમ છે ત્યારે હાર્દિકના વધતા જતા કદને વેંતરવા માટે અને ઉપવાસ આંદોલનથી ક્યાંક હાર્દિક હીરો ના બની જાય તે માટે ગુજરાત સરકાર હાર્દિકના ઉપવાસને ૧૧ દિવસ થાય તે પહેલાં જ તેને ઊઠાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી દે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો સરકાર આમ નહીં કરે અને ઉપવાસ દરમિયાન હાર્દિકને કંઈક થાય તો સરકાર પણ ભીંસમાં આવી શકે છે. એટલે હાર્દિકને કોઈ પણ રીતે ઉપવાસના સ્થળેથી ઊઠાવીને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યુહરચના ઘડી જ કઢાઈ છે.