Gujarat

કોડીનારમાં ૧ર કલાકમાં ૧ર ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર : ૧ર ગામો બેટમાં ફેરવાયા

કોડીનાર, તા.૧૭
કોડીનારમાં છેલ્લા ૯ દિવસથી મુકામ કરીને બેસેલા મેઘરાજાએ આજે મોડી રાત્રિના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ૧ર કલાકમાં ૧ર ઈંચ મુશળધાર વરસાદ ખાબકતા કોડીનાર શહેર તાલુકાભરમાં મેઘતાંડવથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ૧ ટીમ રેસ્ક્યુ માટે ખડેપગે રાખવામાં આવી છે.
કોડીનારમાં ગઈકાલે આખો દિવસ વરસાદના વિરામ બાદ રાત્રિના ૧૦ કલાકે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ રાત્રીના ૧૦થી સવારના ૧૦ સુધી ૧ર ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રિના ભારે વરસાદના કારણે શહેરની સરદારનગર-મારૂતિનગર-દતનગર-સિદ્ધનાથ-મધુવન-દક્ષિણામૂર્તિ-ક્રિષ્ના પાર્ક-બિલેશ્વર-સત્યમ-વિરાટનગર-સ્લમ વિસ્તાર-કૃષ્ણાનગર-વાડી વિસ્તાર-પણાદર રોડ-જીન પ્લોટ સહિતની સોસાયટીઓમાં અને નિચાણવાળા વિસ્તારોમાં રોડ ઉપર કમરસમા અને ઘરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીનું વ્યાપક નુકસાન થયું છે. તેમજ મોડીરાત્રીના ફરી શિંગોડા નદીમાં ઘોડાપૂર આવતા શહેર બે ભાગમાં વહેચાતા જનજીવન ખોરવાયું હતું.
કોડીનાર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રિના ભારે વરસાદે કહેર સર્જ્યો હતો. રાત્રિના ભારે વરસાદના કારણે છારા-ગોહિલની ખાણ-ચૌહાણની ખાણ-વિઠલપુર-આલીદર-પેઢાવાડા, પાંચ પીપળવા-જમનવાડા-ફાચરિયા-અરણેજ-માઢવડ-સરખડી આ ૧ર ગામો સંપૂર્ણપણે બેટમાં ફેરવાતા પરિસ્થિતિ અતિગંભીર બની હતી. જો કે સવારે ૧૦ વાગ્યા પછી વરસાદે ખમૈયા કરતાં પાણી ઓસરતા કોઈ નુકસાનીનાં અહેવાલો હમણાં સુધી આવ્યા નથી. તાલુકાભરમાં ભારે વરસાદના કારણે તાલુકા મથકને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા મોટાભાગના રસ્તાઓ લાંબા સમય સુધી બંધ રહેતા હાલાકી સર્જાઈ હતી. જ્યારે કોડીનાર-ઉના અને કોડીનાર-વેરાવળ અને કોડીનાર-સૂત્રાપાડા વચ્ચેનો હાઈવે ઉપર પણ પાણી ફરતા કોડીનાર શહેર ૧ર કલાકથી વધુ સંપર્કવિહોણું રહ્યું હતું. કોડીનારમાં આજના ૧ર ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ પ૬ ઈંચ (૧૪૦૦ મીમી) અને શિંગોડા ડેમમાં આજના પ ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૪૦ ઈંચ (૯૯૦) મીમી નોંધાયો છે.
ફાફણી ગામે પ લોકો ફસાતાં ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું
કોડીનાર તાલુકાના ફાફણી ગામે ભારે વરસાદથી પાણીમાં ફસાયેલા પ વ્યક્તિઓને ગ્રામજનોએ જાનની પરવા કર્યા વિના પાણીમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય વ્યક્તિઓને સલામત બહાર કાઢ્યા હતા.
પેઢાવાડા-ગોહિલની ખાણમાં ડૂબ્યા
કોડીનાર-વેરાવળ રોડ ઉપર આવેલ પેઢાવાડા ગામે નદીમાં ઘોડાપુર આવતા કોડીનાર-વેરાવળનો વાહનવ્યવહાર બંધ થયો છે. જ્યારે પેઢાવાડાનો સુપ્રસિદ્ધ રગતિયા મંદિરમાં પાણી ભરાતાં મંદિર સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે.
માઢવડ ગામે દરિયાઈ પાણી રોડ ઉપર ધસી આવ્યા
કોડીનાર તાલુકાના માઢવડ બંદરે ભારે વરસાદના લીધે દરિયો ગાંડોતુર થતા દરિયાઈ પાણી ગામમાં રોડ ઉપર ધસી આવતા માઢવડ બંદરની હાલત કફોડી બની હતી. તેમજ અમુક કાચા મકાનોમાં નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે.
કોડીનારમાં મોસમનો વરસાદ ૯ દિવસમાં વરસી ગયો !!!
કોડીનાર શહેરમાં છેલ્લા ૯ દિવસથી થઈ રહેલો મૂશળધાર વરસાદ પ૬ ઈંચ જેટલાં ખાબકી જતાં કોડીનારની મોસમની ટોટલ એવરેજનો વરસાદ ૯ દિવસમાં વરસી જતા લોકો હવે મેઘવિરામની પ્રાર્થના કરી રહ્યા છે.
ગોહિલની ખાણ ગામે યુવાનોએ સાહસ કરી પશુધન બચાવ્યા
કોડીનાર તાલુકાનો ગોહિલની ખાણ ગામ ભારે વરસાદના પગલે બેટમાં ફેરવાતા પશુધન પાણીમાં ફસાતાં ગામના યુવાનોએ જીવ જોખમમાં મૂકી પશુધન બચાવ્યું હતું. આ ઉપરાંત ગો.ખાણ અને વિઠલપુર ગામોમાં ખેતરોનું ધોવાણ થયું છે.
માઢવડ ઉપરાંત કોટડા-વેલણ રોડ ઉપર પણ વરસાદી પાણી સામે દરિયાઈ પાણી ફરી વળતા વાહન-વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થયો હતો. કોડીનારના દરિયાકાંઠા જ્યાં મૂળદ્વારકા-કોટડા-માઢવડ-છારાનો દરિયો ગાંડોતુર થતાં દરિયામાં ઊંચા રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડપેકેટ વિતરણ
કોડીનારમાં ભારે વરસાદના કારણે વરસાદમાં રઝળી પડેલા લોકો અને બસ સ્ટેન્ડમાં રહેલા મુસાફરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોડીનારમાં બચાવ કામગીરી પૂરજોશમાં
કોડીનારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી આફતો વચ્ચે શહેરમાં નગરપાલિકા તંત્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદાર અને ટીડીઓની ટીમોએ રાહત કામગીરી હાથ ધર્યા બાદ બપોરે સમગ્ર તાલુકાની પરિસ્થિતિનો ચિતાર મેળવી તંત્ર દ્વારા એનડીઆરએફની એક ટીમ તાત્કાલિક બોલાવાઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.