અશ્વોની કતલ જમ્મુ-કાશ્મીરના મુસ્લિમો પ્રત્યે લશ્કરનો ધિક્કાર દર્શાવે છે : નેશનલ કૉન્ફરન્સ
શ્રીનગર, તા.૨૬
જમ્મુ-કાશ્મીરમાં લશ્કરનાં વાહનોએ અત્રેના કુલગામના ફ્રિસલ ગામમાં રવિવારે ૧૩ અશ્વોને કચડી નાખ્યા હતા અને અન્ય ત્રણને ઈજા પહોંચાડી હતી. આ અશ્વો વણઝારા માણસોના હતા અને અશ્વો ખૂબ જ સશક્ત પ્રજાતિના હતા, એમ સૂત્રોએ કહ્યું છે. વળી, બે વણઝારા નાગરિકો પણ આ ઘટના બાદ ગુમ થઈ ગયા છે. જોકે, લશ્કરે આ આક્ષેપોને રદિયો આપ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું કે, આ અશ્વોને કચડી નાખીને તેમને મોતને ઘાટ ઉતારાયાની ઘટનાનો વિરોધ કરી રહ્યા હોવાથી તેમને માણસોને લશ્કરે પકડ્યા હોઈ શકે છે.
ઘટના નજરે નિહાળનારા લોકોએ જણાવ્યું હતું કે, ભ્રમણ કરતા રહેતા આ વણઝારાઓનું એક જૂથ શિયાળા પહેલાંના સમયમાં ખુલ્લામાં મેઇન રોડ નજીક પોતાનાં ઢોરને ચરાવતું હતું ત્યારે લશ્કરનાં વાહનો આવ્યાં હતાં અને ૯ ઘોડાને કચડી નાખ્યા હતા તથા ત્રણ ઘોડાના પગને ઈજા કરી હતી.
પહલગામથી રાજૌરી તરફ પ્રવાસ કરી રહેલા આ વણઝારા નાગરિકો પોતાની સાથે ઘેટાં-બકરાં અને અશ્વો પણ રાખે છે. તેમને પણ લશ્કરના જવાનોએ માર માર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ મુદ્દે વિપક્ષ નેશનલ કૉન્ફરન્સે આજે જણાવ્યું છે કે, ફ્રિસલ યારીપોરા કુલગામ વગેરે સ્થળે લશ્કર દ્વારા ઘોડાઓને કચડી નાખવાની જે ઘટનાઓ બની છે તે લશ્કરની જમ્મુ-કાશ્મીરની ખાસ કરીને મુસ્લિમ પ્રજા માટેની ધિક્કારની લાગણી દર્શાવતી બાબત છે. પક્ષના એડિશનલ જનરલ સેક્રેટરી ડૉ. શેખ મુસ્તફા કમાલે કહ્યું કે, દર વર્ષે વણઝારા જેવી આ પ્રજા કાશ્મીરથી રાજૌરી આવતી હોય છે, અને તે તેમનો દર વર્ષનો પ્રવાસ હોય છે. તેઓ કાશ્મીરમાં ઉનાળો વિતાવે છે અને શિયાળાના સમયમાં રાજૌરી તરફ આવવા લાગે છે. રવિવારે તેમના પર આ જુલમ થયો તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે, સલામતી દળો અહીં લોકવિશ્વાસ ગુમાવી બેઠાં છે અને તેથી તેઓ પોતાની નિરાશા હવે નિર્દોષ અબોલ જાનવરો પર કાઢી રહ્યાં છે અને જાનવરોને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. ડૉ. કમાલે એવી માગણી પણ કરી કે નવી દિલ્હીએ તથા રાજ્ય સરકારે આ ઘોડા ગુમાવનારા લોકોને ઘોડાની પૂરેપૂરી કિંમત વસૂલ આપવી જોઈએ, કેમ કે, આ ઘોડા અને અન્ય પ્રાણીઓ માત્ર ભાર ખેંચનારા જ નહોતા, બલકે વણઝારા લોકો માટે કમાઉ દીકરા જેવા હતા. મુહમ્મદ અસલમ નામના એક વણઝારાએ કહ્યું કે, અમે પહલગામથી આવી રહ્યા હતા અને જ્યારે બિજબેહારા થઈને યારીપોરા-શોપિયા રૂટ પરથી ફ્રિસલ પહોંચવામાં હતા ત્યારે લશ્કરના માણસોએ અમને અટકાવ્યા હતા. તેમણે અમારા ઘોડાઓને મારી નાખ્યા. તેમણે કહ્યું કે, આર્મીના લોકોએ અમને રોડની બંને બાજુએથી ઘેરી લીધા હતા. અબ્દુલ વાહિદ નામના એક વણઝારાએ કહ્યું કે, આ ઘટના દામીડોલા ક્રોસિંગ પાસે બની હતી, અને આર્મીના લોકોએ અમને ખૂબ જ માર માર્યો ને પછી ચાલ્યા ગયા.