(એજન્સી) સુકમા, તા.૬
છત્તીસગઢના સુકમામાં નક્સલ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. નક્સલ ઓપરેશનમાં પોલીસ દ્વારા ૧૫ નક્સલીઓને ઠાર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અથડામણ સુકમાના ગોલાપલ્લી અને કોંટા વિસ્તારના નુલકાતુંગ ગામમાં ચાલી રહી છે. જેમાં પોલીસે નક્સલીઓના મૃતદેહ જપ્ત કરવાની સાથે જ ૧૬થી વધારે હથિયાર પણ જપ્ત કર્યા છે. અથડામણમાં નક્સલીઓના માર્યા જવાની પુષ્ટિ કરતા સુકમા એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે, સુકમાના નુલકાતુંગ ગામમાં ચાલી રહેલી અથડામણમાં ૧૫ નક્સલી માર્યા ગયા છે. અથડામણ દરમિયાન સેનાને ૧૬ વિદેશી હથિયાર પણ મળ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જવાનોને ૨૦૦થી વધારે નક્સલીઓ હોવાની જાણકારી મળી હતી. જે બાદ ડ્ઢઇય્, જી્હ્લ અને ઝ્રઇઁહ્લની ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ દરમિયાન જેવા જ સેના નુલકાતુંગ ગામની નજીક પહોંચ્યા નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ શરૂ કર્યું અને ૧૫ નક્સલીઓને ઠાર કર્યા. ૧૫ નક્સલીઓના માર્યા ગયા બાદ પણ અત્યારે અથડામણ ચાલુ છે. મૃત માઓવાદીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. મુખ્યમંત્રી રમણ સિંહે બે ઓગસ્ટના રોજ નક્સલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નક્સલીઓ સરન્ડર કરી દે અથવા મરવા માટે તૈયાર રહે. ૩ ઓગસ્ટે સુકમામાં નક્સલીઓએ બેનર લગાવીને સ્વીકાર્યું હતું કે, એક વર્ષમાં ૨૦૬ નક્સલીઓને મારવામાં આવ્યા છે અને તેમાં ૭૨ મહિલાઓ હતી. સૌથી વધારે ૧૫૦ નક્સલીઓ દંડકારણ્ય વિસ્તારમાં મારવામાં આવ્યા છે. ૨ માર્ચે તેલંગાણા પોલીસની મદદથી છત્તીસગઢના બીજાપુરમાં ૬ મહિલા કમાન્ડર સહિત ૧૦ નક્સલીઓને મારવામાં આવ્યા હતા. ૨૨ એપ્રિલે પૂર્વી મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં એન્કાઉન્ટર પછી ૩૭ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ૧૯ જુલાઈએ બીજાપુરમાં ૮ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.