(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૩
ગુજરાત પાટીદાર અનામત આંદોલન ભાજપ સરકાર માટે ગળામાં ફસાયેલા હાડકા જેવું છે. ત્યારે આ હાડકું કાઢવા માટે સરકારે પાસના વરૂણ પટેલ અને રેશમા પટેલને ભાજપમાં સમાવેશ કર્યો છે. તેના બીજા જ દિવસે પાસના નરેન્દ્ર પટેલને ભાજપમાં જોડાવા માટે રૂા.૧ કરોડમાં વરૂણ પટેલે સોદો કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ હજુ ૧પ દિવસ પહેલા જ ભાજપમાં જોડયેલા પાટીદાર નિખિલ સવાણીએ પત્રકાર પરિષદે યોજીને ભાજપમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરતા ભાજપમાં વધુ એક ફટકો પડયો છે. દિવાળી બાદ નવા વર્ષથી ગુજરાતના રાજકારણમાં દરરોજ રાજકીય ભૂકંપો આવી રહ્યા છે. હાલ તો નરેન્દ્ર પટેલને ખરીદવાના મામલે અને નિખિલ સવાણીના ભાજપમાંથી રાજીનામાને લીધે હાલ ભાજપમાં સોંપો પડી ગયો છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાણથી હાલ કોંગ્રેસ પ્લસ પોઈન્ટમાં આગળ ચાલી રહી છે. ગુજરાતમાં ચંૂટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આંદોલનકારીઓ રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા હોવાથી રાજકારણમાં હડકંપ મંચી ગયો છે. ત્યારે પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ અમદાવાદમાં સોમવારે પત્રકાર પરિષદ યોજીને ભાજપને મોટો આંચકો આપ્યો હતો. હજુ ૧પ દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપ ઉપર પ્રહાર કરતા નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે ભાજપે સમાજ માટે જે વાયદા કર્યા હતા. તે પુરા કર્યા નથી. ભાજપ વોટબેંકની રાજનીતિ કરી રહ્યું છે. પાટીદાર ભાઈઓ ભાજપમાં જતા પહેલાં ચેતજો ભાજપ પાટીદાર સમાજને ખરીદવા નીકળ્યો છે. હું પાટીદાર સમાજનું ભલુ ઈચ્છુ છું. તેથી મે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તે કારણોથી મારો પાટીદાર સમાજ મને સ્વીકારશે. હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નહીં. મે સમાજના હિતમાં જ કામ કર્યું છે અને સમાજના હિત માટે થઈ ને જ ભાજપ સાથે જોડાયો હતો. પરંતુ ભાજપ પોતાના પક્ષમાં ભેળવવા માટે કરોડો રૂપિયાની લ્હાણી કરે છે સરકારે જે ચાર મુદ્દાઓ પર નિર્ણય લીધો હતો તે આધારે જ ભાજપમાં સામેલ થયો હતો. પરંતુ આ મુદ્દાઓ ઉપર કોઈ જ કામ થતું નથી. એટલે ભાજપમાંથી છેડો ફાડયો. વધુમાં નિખિલ સવાણીએ રૂા.૧ કરોડની ઓફર હોવા છતાં તે ઓફરને ઠુકરાવીને સમાજનો સાથ આપનારા પાસના કન્વીનર નરેન્દ્ર પટેલને બિરદાવ્યા હતા.
સવારે ભાજપમાંથી રાજીનામું અને બપોરે રાહુલ ગાંધી સાથે બેઠક
સોમવારે સવારે પત્રકાર પરિષદ યોજીને ભાજપમાંથી રાજીનામું ધરી દેનાર નિખીલ સવાણીએ બપોરે જ ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમજ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પણ બેઠક કરી હતી. જેના લીધે નિખીલ સવાણી કોંગ્રેસમાં આવે તેવી શક્યતા છે. ત્યારે આ મુલાકાત અંગે નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમ્યાન મે તેમને પૂછયું હતું કે, કોંગ્રેસની સરકાર આવશે તો પાટીદાર સમાજને કઈ રીતે અનામત મળશે તદઉપરાંત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.