(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.ર૩
વાગરા તાલુકાના દહેજ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે ૧પ જેટલી ગાયો આવી જતા ગાયોના કમકમાટીભર્યા મોત થયા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ રેલવે સ્ટેશનથી થોડી જ દૂર અદાણરનો કોલસો ભરીને ભરૂચ જતી ગુડ્સ ટ્રેનની અડફેટે ૧પ જેટલી ગાયો આવી જતા ગાયોનાં મોત થયા હતા, આ ઘટનાની જાણ થતા લોકો દોડી આવ્યા હતા. જો કે આ સમય દરમ્યાન જ મેમુ પેસેન્જર ટ્રેન આવી જતા ટ્રેનને રોકવાની ફરજ પડી હતી. જયારે અમારા પ્રતિનિધિને મળેલી વિગતોમાં આ અંગે રેલવેનું તંત્ર અને રેલવે પોલીસ આ ઘટનાથી અજાણ હતી જ્યારે રેલવે ટ્રેક ઉપર મરેલી ગાયો પડેલી જેના અંતે કોન્ટ્રાકટર પર કામ કરતા કેટલાક કર્મચારીઓ દ્વારા રેલવે ટ્રેક ઉપરથી ગાયોનાં મૃતદેહ હટાવ્યા હતા. જયારે આ ગાયોના માલિકોનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી. પરંતુ નજીકમાં રહેતા પશુ પાલકોની જ ગાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યાં હવે દહેજ ખાતે પણ એક રેલવે પોલીસ ચોકીની જરૂર હોવાનું લોકો કહી રહ્યા છે ત્યારે આ ઘટનાને ર૪ કલાક થયા છતા કોઈ જીવદયા પ્રેમી કે ગૌરક્ષક દેખાયો નથી તેવું પણ ત્યાંના સ્થાનિક લોકોએ અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું.