અંકલેશ્વર, ૨૫
ટ્રાન્સ્પોર્ટરોની દેશ વ્યાપી હડતાળની વ્યાપક અસર અંકલેશ્વર અને પાનોલીનાં ઉદ્યોગો ઉપર વર્તાઈ રહી છે. અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં આવેલા ૬૦૦થી વધુ નાના ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થઈ ગયા છે. જેના કારણે ૨૦ હજારથી વધુ કામદારોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. નાના ઉદ્યોગોનું રોજનું એવરેજ ૧૫૦૦ કરોડનું ઉત્પાદન બંધ તેમજ મોટા ઉદ્યોગો પણ ૨૫ ટકા ઉત્પાદન પર આવતાં રોજના ૭૦૦ થી ૮૦૦ કરોડનું મોટા ઉદ્યોગોનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે.
ટ્રાન્સપોર્ટની હડતાળ હજી ૨ દિવસ વધુ ચાલશે તો અંકલેશ્વર પાનોલીના તમામ ૨૦૦૦થી વધુ ઉદ્યોગોનું ઉત્પાદન બંધ થાય તો નવાઈ નહીં. જો તેમ થાય તો ૨ લાખથી વધુ કામદારોને અસર પડશે. સરકારને ઉદ્યોગોનું ઉત્પાદન બંધ થતા રોજનું અંદાજિત ૩૦૦ કરોડની રેવન્યુનું નુકશાન થઇ રહ્યું છે. સરકાર અને ટ્રાન્સ્પોટરો વચ્ચે વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉદ્યોગ જગત કરી રહ્યું છે.
આજે હડતાળનાં ૬ દિવસ બાદ પણ સરકાર દ્વારા અને ટ્રાન્સ્પોટરોની માગણી અંગે કોઈ ઉકેલ આવ્યો નથી. જો હડતાલ વધુ ૨ દિવસ ચાલશે તો અંકલેશ્વર પાનોલીના ૨૦૦૦ નાના મોટા ઉદ્યોગો તેમજ તેના પર આધારિત ૫૦૦૦થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ૫૦૦૦થી વધુ કોમર્શિયલ ધંધા કરતી ફર્મ ઉપર સીધી અસર પડશે તેવી શક્યાઓ સેવાઈ રહી છે.અંકલેશ્વર ઉદ્યોગમંડળનાં પ્રમુખ મહેશ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સ્પોટરોની હડતાળની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો ઉપર પડતાં ૬૦૦થી વધુ નાના ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થઈ ગયા છે. જેની અસર કામદારો પર પણ પડી રહી છે.