(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૧
કેરળના સ્વાસ્થ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે, રાજ્યમાં નિપા વાયરસની અસર હેઠળ છે. છેલ્લા બે અઠવાડિયામાં કોઝીકોડે અને મલ્યાપુરમ જિલ્લામાં વાયરસે ૧૬ લોકોનો ભોગ લીધો છે જેમાંથી પાંચ વ્યક્તિઓ એક જ પરિવારના હતા. મૃતકોમાં ૩૧ વર્ષીય નર્સ લીનીનો પણ સમાવેશ થાય છે. કેરળના સ્વાસ્થ્ય સચિવ રાજીવ સદાનંદે જણાવ્યું કે, તમામ લોહીના નમૂના પુણે ખાતેની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરલોજીમાં મોકલવામાં આવ્યા છે. આ જીવલેણ વાયરસ ચામાચીડિયાઓ દ્વારા ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલમાએ જણાવ્યું કે, કોઝીકોડે જિલ્લામાં કૂવાનું પાણી વાયરસયુક્ત થવાથી ગામના લોકો સુધી આ વાયરસ પહોંચી રહ્યો છે. લોકો સુધી આ વાયરસ અંગે માહિતી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને જો જરૂર પડશે તો દર્દીઓને ખાનગી હોસ્પિટલોના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવશે.
ચામાચીડિયાથી ફેલાતા જીવલેણ નિપાહ
વાયરસ અંગે જાણવા જેવી તમામ બાબતો
(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૧
લગભગ એક દાયકા બાદ ફરી ભારત પર નિપા વાયરસની અસર જોવા મળી છે. આ વખતે કેરળના કોઝીકોડે જિલ્લામાં નિપા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. આ વાયરલ ૭૦% મૃત્યુદર ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ નિપા વાયરસનું ઈન્ફેકશન પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે જે બન્ને પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર રોગનું કારણ બને છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ ૧૯૯૮માં મલેશિયાના કામપુંગ સુંગાઈ નિપામાં થઈ હતી. મનુષ્યો, ડુક્કરો અને અન્ય પાલતું પ્રાણીઓ આ વાયરસનો સરળતાથી ભોગ બની શકે છે. ભારતમાં નિપા વાયરસની અસર સૌપ્રથમ ર૦૦૧માં બંગાળના સિલિગુડીમાં જોવા મળી હતી. ભારતમાં આ વાયરસનું ઉત્પત્તિ સ્થાન જાણી શકાયું નથી. સિલિગુડી બાદ ર૦૦૭માં નાડિઆ જિલ્લો આ વાયરસની અસર હેઠળ આવ્યો હતો અને હવે કેરળ ભારતમાં નિપા વાયરસના આતંકનું ત્રીજું ઉદાહરણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે, પ્રાણીઓ કે મનુષ્યો માટે આ વાયરસની હજી કોઈ રસી શોધાઈ નથી. તેની માત્ર સારવાર આઈસીયુ છે. નિપા વાયરસ ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવેલ ફળ કે અન્ય ખાદ્ય પદાર્થના સેવનથી અથવા તો નિપા વાયરસનો ભોગ બનેલ પ્રાણીના સંપર્કમાં આવવાથી તેનો ચેપ લાગી શકે છે. જો તમે નિપા વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં રહેતા હોય તો ચામાચીડિયા અન્ય પશુઓના સંપર્ક ક્ષેત્રથી દૂર રહેવું.