અમદાવાદ, તા.૧૦
દેશભરમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેનો ગુજરાતમાં આગામી ૧૬મી જુલાઈ-ર૦૧૮થી શુભારંભ થશે. આ અભિયાન હેઠળ નવ માસથી લઈને ૧પ વર્ષ સુધીના અંદાજિત ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે. આરોગ્ય કમિશનર શ્રીમતિ જયંતિ રવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧લી મે ર૦૧૮ના રોજ ભરૂચ ખાતેથી ઓરી-રૂબેલા અભિયાનને લોન્ચ કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અભિયાન હેઠળ રાજ્યનું એક પણ બાળક રસી વિનાનું રહી ન જાય અને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ અગ્રેસર રહે તે રીતે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું છે. જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી વિભાગોનો વ્યાપક જન સહયોગ લઈને લક્ષ્યાંક સિદ્ધ કરાશે. ઓરી-રૂબેલા અભિયાન દેશના ર૦ રાજ્યોમાં ૯પ ટકાથી વધુ કવરેજ સાથે સંપન્ન થયું છે અને આગામી તા.૧૬મી જુલાઈથી ગુજરાત, ઝારખંડ અને છત્તીસગઢમાં આ અભિાયન શરૂ થશે ત્યારે ઓરી-રૂબેલાના નિવારણ-નિયંત્રણ માટે આ ઐતિહાસિક ઈન્જેકટેબલ રસીકરણ અભિયાનમાં સૌ સહયોગ આપે તે જરૂરી છે. અગાઉ જે બાળકોને ઓરીની રસી અપાવી હોય તો પણ ફરીથી આ અભિયાન હેઠળ રસી અપાવવી જરૂરી છે. આની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આ રસી ઈન્જેકટેબલ હોઈ શાળા, આંગણવાડી કેન્દ્રો, પીએચસી, મેડિકલ કોલેજના વ્યાપક સહયોગથી કામગીરી કરાશે. આ રસી જમણા હાથના બાવળામાં ચામડીની નીચે આપવામાં આવશે.