(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
શહેરના ઉધનાના બમરોલી રોડ વિસ્તારની આશીર્વાદ ટાઉનશીપ પાસે આવેલા લીટલ સ્ટાર સ્કૂલના શિક્ષક દ્વારા ધોરણ ૮ના વિદ્યાર્થીને ક્લાસ રૂમમાં જ સડસડાટ ૧૭ જેટલા તમાચા ઝીંકી દેવાના મામલે ઉધના પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધના બમરોલી વિસ્તારમાં આવેલ લીટર સ્ટાર સ્કૂલમાં આજે સવારે ધો.૮ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં જ કોઈ કારણસર સડસડાટ એક પછી એક એમ કુલ ૧૭ જેટલા તમાચા માર્યા હતા. આ અંગે વિદ્યાર્થીએ પરિવારને જાણ કરતાં ઉધના પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શાળાની સીસીટીવી ફુટેજ ચેક કરતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. ચાલુ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીની હાજરી વચ્ચે શિક્ષકે તમાચા માર્યા હતા. શિક્ષક એટલા આવેશમાં હતો કે તેને મારતા જાઈ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ પણ ભયભીત થઈ ગયા હતા. ઉધના પોલીસ દ્વારા શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ આ સ્કૂલમાં અગાઉ પણ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને માર મરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.