સાબરકાંઠાને માથે પાણીનું ૧૮ કરોડનું દેવું

હિંમતનગર, તા. ૧પ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે પીવાના પાણી માટે નર્મદાના પાણી પર મદાર રાખવો પડે છે ત્યારે ગત વર્ષે સાબરકાંઠા જિલ્લાની ચાર પાલિકા અને ૪૦૦ ગામના લોકોને ગ્રામ પંચાયતોના માધ્યમથી નર્મદાનું પીવાનું પાણી પાઈપલાઈનના માધ્યમથી આપવામાં આવ્યું હતું. જે પેટે પાણી પુરવઠા બોર્ડને સાબરકાંઠા જિલ્લાએ રૂા. ૧૮ કરોડ ચૂકવવાના થાય છે પરંતુ હજુ સુધી આ નાણાં ચૂકવાયા નથી.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં આવેલ ખાસ કરીને વડાલી, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં દર વર્ષે પડતા ઓછા વરસાદને કારણે દિવાળી બાદ પીવાના પાણીની ખેંચ વર્તાય છે. જો કે વર્ષો અગાઉ નર્મદા નદીનું પાણી ખેતી તથા પીવાના ઉપયોગ માટે સાબરકાંઠા જિલ્લાને મળે તેવુ આગોતરૂ આયોજન કરીને દહેગામ પાસેના જલુદ્રા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈન જમીનમાં નાખીને તે પાણી તલોદ, હિંમતનગર, પ્રાંતિજ, વડાલીમાં આવેલ ડેમ સાઈટ સુધી લઈ જવામાં આવ્યું હતું.
સાથો સાથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ઊભી થાય છે ત્યારે પાઈપલાઈનના માધ્યમથી જરૂર પડે તે માટે ડેમમાં નાખી પંપીગ કરીને જથ્થાની ઉપલબ્ધીને ધ્યાનમાં રાખી તેનો ચાર્જ લઈ પીવા માટે આપવામાં આવે છે.
પરંતુ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા નર્મદાના પાણી પેટે ચૂકવવાના નાણાં પાણીપુરવઠા વિભાગને આપવામાં આવતા નથી. જેના કારણે એક વર્ષમાં સાબરકાંઠાની પ્રજાને માથે અંદાજે રૂા. ૧૮ કરોડનું દેવુ થઈ ગયુ છે. પાણી પુરવઠા બોર્ડએ બાકી નાણાં વસૂલવા માટે અવારનવાર નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાસે ઉઘરાણી કરી હતી, પરંતુ પૈસા ચૂકવાયા નથી. પાણી પુરવઠા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે.સી. છડીયાએ જણાવ્યું હતું કે, હાલ અમે બાકી ઉઘરાણીને બાજુ પર રાખી ઉનાળો હોવાને કારણે પાણી આપી રહ્યા છે. પરંતુ ચોમાસામાં બાકી નાણાં અને ઉઘરાણી કરવામાં આવશે.
કઈ નગરપાલિકા પાસે કેટલા નાણાં લેવાના છે
હિંમતનગર ૪૩.૯૯ લાખ
તલોદ પ૭.૦૬ લાખ
પ્રાંતિજ ૪૧.ર૧ લાખ
વડાલી ર.પ૭ કરોડ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks