(એજન્સી) ગીઆલોઉસા, તા.૧૯
૧પ૦ જેટલા શરણાર્થીઓને લઈ જતા જહાજે ભૂમધ્ય સાગરમાં ઉત્તર સાયપ્રસના દરિયાકાંઠે જળસમાધી લેતાં તેમાં સવાર ૧૯ લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૦ લોકો લાપતા બન્યા હતા તેમ સ્થાનિક સલામતી દળોએ જણાવ્યું હતું. સાયપ્રસના અલગ થયેલા સાયપ્રીઓટ નજીક ગીઓલોસુઆ નજીક આ વહાણ ઊંધું વળી ગયું હતું. તુર્કીના કોસ્ટગાર્ડે ૧૦૦ જેટલા લોકોને બચાવ્યા હતા. જેમની સ્થિતિ ગંભીર હતી. સારવાર માટે હેલિકોપ્ટર મારફતે સાયપ્રસ લઈ જવાયા હતા. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ૧૯૭૪માં એક નાના યુદ્ધ બાદ સાયપ્રસનું બે ભાગમાં વિભાજન થયું હતું. જેમાં ઉત્તરમાં તુર્કીનું નિયંત્રણ હતું જ્યારે દક્ષિણમાં ગ્રીક સાયપ્રીઓટનું નિયંત્રણ હતું. તુર્કીની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર શરણાર્થી યુરોપ તરફ ભાગી રહ્યા હતા. આફ્રિકાના અને મધ્ય-પૂર્વના દેશોમાં વ્યાપક હિંસા બાદ મોટો શરણાર્થીઓનો પ્રવાહ યુરોપખંડ તરફ વળ્યો હતો. ર૦૧પમાં ૧૦ લાખ શરણાર્થીઓ તુર્કી અને ગ્રીસ સહિત જર્મની અને યુરોપના ર૮ દેશોમાં પ્રવેશ્યા હતા. તુર્કીએ આ પ્રવાહને અટકાવવા યુરોપના દેશો સાથે એક સમજૂતી કરી હતી. તુર્કીએ શરણાર્થીઓને પરત લઈ આશરો આપવા માટે સંમતિ આપી છે.