વઢવાણ, તા. ૩૦
મુંબઈમાં અઢી કરોડની લૂંટ ચલાવનાર અને હત્યા કરનાર શખ્સ ૧૪ વર્ષ બાદ સુરેન્દ્રનગરમાં ઝડપાયો છે.
ગતરાત્રીના સુમારે શહેરમાં આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ પાસેના રોડ પર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે દુકાનના તાળા ફંફોળતી વેળા પેટ્રોલિંગ કરતી પોલીસે ઝડપી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તેઓ પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ શખ્સે મુંબઈમાં ૧૪ વર્ષ પહેલા અઢી કરોડની લૂંટ ચલાવી તથા હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ શખ્સ પાસેથી એક બેગ મળી આવી હતી જેમાં દારૂની બોટલો અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ શખ્સ અમદાવાદનું હોવાનો તથા તેનું નામ કરામતઅલી દોસ્તઅલી શેખ (રહે. દાણીલીમડા ગંજશહિદા) રહેવાનું જણાવ્યું હતું તેઓ ૧૯૯૯માં કોબાળીમાં અતુલ સુદ પાસેથી અઢી કરોડની લૂંટ ચલાવી હતી. તથા મુંબઈના ધારાવી વિસ્તારમાં અલીમ શેખ નામના ઈસમની હત્યા કરી હતી. ધારાવી પોલીસ દ્વારા તેની સામે તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તથા બે ચોરી કર્યાની પણ કબૂલાત કરી છે.
વઢવાણ પોલીસે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે ના મંજૂર કર્યા હતા. જેથી તેને જેલમાં મોકલી દેવાયો છે.