Ahmedabad

દિયોદર કેન્દ્ર પર મગફળીની ૪૦૦ બોરીમાંથી ૪ બોરી માટી નીકળતાં ચકચાર : બે અધિકારીઓની બદલી !

અમદાવાદ, તા.ર૩
સૌરાષ્ટ્રમાં થયેલા મગફળી કાંડના પડઘા હજુ તો શમ્યા નથી. ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ મગફળીકાંડ સર્જાય તેવી શક્યતા છે. સરકાર દ્વારા હાલ પોષણક્ષમ ભાવને લઈ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરાયું છે ત્યારે રાજ્યમાં અન્ય સ્થળોની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરાઈ રહી છે. જો કે જિલ્લાના દિયોદર કેન્દ્ર પરથી ખરીદી કરવામાં આવેલી મગફળીની ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાં માટી નીકળી હોવાનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીએ ગાંધીનગર કરતાં જિલ્લા અને દિયોદર કેન્દ્રના બે અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મગફળી કાંડ પાર્ટ-ર સર્જાય તેવી શકયતા જોવા મળી છે. મળતી માહિતી મુજબ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં દિયોદર કેન્દ્ર ઉપર પણ મોટાભાગના ખેડૂતો મગફળી ભરાવી રહ્યાં છે. જેમાં ત્રણ દિવસ અગાઉ દિયોદર કેન્દ્ર ઉપરથી ૪૦૦ બોરી મગફળી ખરીદવામાં આવી હી જે બોરીઓ ટ્રક દ્વારા ટેટોડા ગોડાઉન ખાતે મૂકવામાં આવી હતી. જેમાં ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાં ૧૪૦૦ ગ્રામ જેટલી માટી નીકળી હોવાનો વીડિયો સાથે જિલ્લા પુરવઠા વિભાગે ગાંધીનગર પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી એમ.ડી.મનીષ ભારદ્વાજ રિપોર્ટ કરતાં ગાંધીનગરની ટીમ હરકતમાં આવી ગઇ હતી. જેમાં તાત્કાલિક ધોરણે બેદરકારી બદલ દિયોદર મગફળી કેન્દ્રના અધિકારી પી.બી.તઇવરને ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જો કે જિલ્લા પુરવઠા અધિકારી નટુભાઇ પટેલની એકાએક ભરૂચ ખાતે બદલી કરી દેવામાં આવતા જિલ્લામાં મગફળીને લઇ રાજકારણ ગરમાયું હતું. જેમાં આ વખતે પણ ખરીદ વેચાણ કેન્દ્ર ઉપરથી ખરીદાયેલ ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાંથી માટી નીકળવાનું સામે આવતા ફરી જિલ્લામાં મગફળી કૌભાંડની આશંકા સેવાઇ રહી છે.