(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ ડૉ. ૠત્વીજ પટેલના વરાછા હીરાબાગ સર્કલ ખાતે યોજવામાં આવેલા વિજય ટંકાર યુવા સંમેલનમાં ગતરાત્રે ધમાચકડી થઈ હતી. જેમાં હીરાબાગ સર્કલથી વલ્લભાચાર્ય રોડ બીઆરટીએસ રૂટ પર બે બસો સળગાવી નાંખી રૂ.૪૬ લાખનું નુકસાન કરી પોલીસ પર ભારે પથ્થરમારો કરવાના ગુનાઓમાં કાપોદ્રા પોલીસ મથકમાં રાયોટિંગ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબના ત્રણ ગુનાઓ ટોળાઓ વિરૂદ્ધ દાખલ કરાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછાના હીરાબાગ સર્કલ નજીક કેનાલ રોડ પર સૌરાષ્ટ્ર સોસાયટીની વાડીમાં ભાજપના પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ ડાલ. ૠત્વીજ પટેલના વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં પાટીદારો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં સ્થળની બહાર એકત્ર થઈ ગયા હતા. કેટલાક તત્ત્વો તો ભાજપનો ખેસ પહીરને કાર્યક્રમમાં ઘૂસી ગયા હતા. વાડી બહાર ઊભેલા પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા અને જોત જોતમાં મામલો બિચક્યો હતો. આ ઉપરાંત યુવા પ્રમુખ ડાલ. ૠત્વીજ પટેલ પર પાટીદારોએ છુટ્ટા ટામેટા માર્યા હતા અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરતા મામલો વધુ ગરમાયો હતો અને ત્યારબાદ ટોળું હીરાબાગ સર્કલથી વલ્લભાચાર્ય રોડ ગ્રીનપાર્ક સોસાયટી વિભાગ-૩ પાસે બીઆરટીએસ રોડ પર બીઆરટીએસ બસ નં.જીજે-૦૫-બીએકસ-૨૧૩૮ની પર પથ્થરમારો કરી બસ સળગાવી નાંખી રૂ.૨૩ લાખનું નુકસાન કરી ટોળી ફરાર થઈ ગયું હતું. આ ગુનામાં બીઆરટીએસ બસના ચાલક વિજય પ્રેમજીભાઈ ચૌહાણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૪૨, ૪૨૭, ૪૩૫ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી પીએસઆઈ વસાવાએ તપાસ શરૂ કરી છે.ત્યારબાદ ટોળું આગળ વધ્યું હતું અને વલ્લભાચાર્ય રોડ પર આવેલા પુસ્તક રો હાઉસ પાસે ઊભેલી બીઆરટીએસ બસ નં.જીજે-૫-બીએક્સ-૨૨૬૦ પર પથ્થરમારો કરી બસની તોડફોડ કરી બસને સળગાવી નાંખી હતી. આ ગુનામાં બીઆરટીએસને રૂા.૨૩ લાખનું નુકસાન પહોંચતા કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ સિધ્ધુએ ફરિયાદ આપતા રાયોટિંગ વીથ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનાની તપાસ કરનાર મહિલા પીએસઆઈ ઘેલાએ જણાવ્યું હતું કે, આ ગુનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્ર તથા પંચનામાઓ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે ત્રીજા એક ગુનાની વિગતો એવી છે કે, હીરાબાગ સર્કલ વલ્લભાચાર્ય રોડ પર પોલીસ પર પથ્થરમારો કરવાના બનાવમાં માત્ર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પોલીસે ત્રણેય ગુનાઓની તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, ખાનગી રાહે તપાસ તથા એફએસએલની ટીમને પણ બોલાવી દીધી હોવાનું મહિલા પીએસઆઈ ઘેલાએ જણાવ્યું હતું.
તોડફોડ-આગચંપીના પગલે વરાછામાં BRTS સેવા બંધ કરાઈ
સુરત, તા.૧૩
શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગતરાત્રે ભાજપના વિજય ટંકાર કાર્યક્રમ દરમ્યાન પાસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બીઆરટીએસની બે બસોને સળગાવી રેલિંગ તેમજ બસ સ્ટોપની તોડફોડ કરી હતી. આજે વરાછા વિસ્તારમાં બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે. પાલિકા કમિશનરે આ અંગે નુકસાનીનો અંદાજ મેળવવાની આજે તજવીજ હાથ ધરી હતી. જેમાં પાલિકાને અંદાજીત રૂા.૪થી ૫ કરોડનું નુકસાન થયાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો.
આ નુકસાની કઇ રીતે ભરપારઇ કરવું તે બાબત એક કોયડો બની રહેવા પામી છે.