(એજન્સી) લખનૌ, તા.૧૩
ઉત્તરપ્રદેશના અમરોહામાં એક મદ્રેસા પર સતત લટકી રહેલા હાઈપર ટેન્શન (વીજળીના ઊંચા વિદ્યુત પ્રવાહ)ના તાર તૂટી પડતાં અભ્યાસ કરી રહેલા ર૦ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અમરોહાના મદ્રેસા સંચાલક મોહમ્મદ યુનુસે જણાવ્યું કે મદ્રેસા પર ૧૦૦થી વધુ હાઈપર ટેન્શન વાયર લટકી રહ્યા છે. જેનાથી સતત જોખમ રહે છે. સંચાલકે આ અંગે વીજળી વિભાગને અનેકોવાર ફરિયાદ કરી છતાં કોઈએ તેમની અરજી સાંભળી નહીં. મદ્રેસા પર લટકતા ૧૦૦થી વધુ હાઈપર ટેન્શન અંગેની ઊંડી ચિંતા વ્યક્ત કરતાં મોહમ્મદ યુનુસે આ અંગે યોગ્ય પગલાં લેવા આશા વ્યક્ત કરી હતી. જિલ્લા ન્યાયાધીશ હેમંતકુમારે જણાવ્યું કે, ઘટના અંગે સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેના તકેદારીરૂપ પગલાં લેવા જણાવાયું છે. હેમંતકુમારે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈની પણ હાલત ગંભીર નથી. તમામ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ છે.