National

ર૦૦૬માં માલેગાંવ બ્લાસ્ટ કેસ : ATS, CBI અને NIAએ કયા કારણે જુદા જુદા તારણો ઉપર પહોંચ્યા છે ? : હાઈકોર્ટનો પ્રશ્ન

(એજન્સી) મુંબઈ, તા.૧પ
બોમ્બે હાઈકોર્ટે આજે એનઆઈએની તપાસ સામે પ્રશ્ન કર્યો હતો જેમાં એનઆઈએએ ૯ મુસ્લિમોને ચાર્જશીટમાંથી બાકાત રાખ્યા હતા અને એના બદલે હિન્દુ ત્રાસવાદીઓના ચાર સભ્યોના નામો ર૦૦૬ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જોડયા હતા. એનઆઈએનો નિર્ણય સીબીઆઈ અને મહારાષ્ટ્ર એટીએસ કરતાં આટલો જુદો કેમ પડે છે ?
હાઈકોર્ટની બેંચે ૯ મુસ્લિમોને ટ્રાયલ કોર્ટે કેસમાંથી મુક્ત કર્યા હતા. એ મુક્તિને હાઈકોર્ટમાં પડકારાઈ હતી જેની સુનાવણી હાઈકોર્ટ કરી રહી હતી. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે મહારાષ્ટ્રની એટીએસ જે પહેલાં કેસની તપાસ કરી રહી હતી. એમણે બ્લાસ્ટના આક્ષેપો હેઠળ ૯ મુસ્લિમોની ધરપકડ કરી હતી અને સીબીઆઈએ એક વર્ષ પછી તપાસ હાથમાં લીધી હતી ત્યારે એટીએસને સમર્થન આપ્યું હતું. જો કે, એ પછી ર૦૧૧ના વર્ષમાં તપાસ એનઆઈએને તબદીલ કરાઈ હતી જેમાં એનઆઈએ પોતાની ચાર્જશીટમાંથી ૯ મુસ્લિમ આરોપીઓને મુક્ત કર્યા હતા અને એના બદલે અન્ય ૪ વ્યક્તિઓ જે હિન્દુ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલ હતા. એમનો ઉમેરો કર્યો હતો અને આરોપી તરીકે દર્શાવાયા હતા.
હાઈકોર્ટે આ ગૂંચવાડાઓ સામે પ્રશ્ન કર્યો હતો અને કહ્યું કે એનઆઈએની તપાસ બન્ને સક્ષમ એજન્સીઓ સીબીઆઈ અને રાજ્યની એટીએસ વિરૂદ્ધ કઈ રીતે હોઈ શકે છે ? જ્યારે એટીએસ અને સીબીઆઈએ ૯ આરોપીઓની સામે ચાર્જશીટ ઘડી હતી તો પછી એનઆઈએએ કયા આધારે નિર્ણય કર્યો હતો કે બન્ને તપાસ એજન્સીઓની તપાસો ખોટી હતી અને એમની જ તપાસ સાચી હતી જેમાં એમણે નવા ૪ આરોપીઓને શોધી કાઢયા હતા.
ચાર આરોપીઓ જેમની ઉપર આક્ષેપો મૂકાયા હતા એમાં મનોહર નરવરિયા, રાજેન્દ્ર ચૌધરી, ધાનસિંઘ અને લોકેશ શર્મા હતા. એમણે પોતાની ધરપકડને પડકારી હતી અને એમને નીચલી કોર્ટે જામીનનો ઈન્કાર કરતાં એ આદેશને પણ પડકાર્યો હતો.
માલેગાંવમાં બ્લાસ્ટ થયા પછી મહારાષ્ટ્રની એટીએસ ટીમે નુરૂલ હુડા, રઈસ અહમદ, સલમાન ફારસી, ફારૂક મગદુમી, શેખ મોહમ્મદ અલી, આસિફખાન, મોહમ્મદ ઝાહિદ, અબરાર અહમદ અને શબ્બીર મસિઉલ્લાહ બેટરીવાલાની ધરપકડ કરી હતી. જો કે, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મુંબઈની સ્પે.કોર્ટે એમને કેસમાંથી મુક્ત કર્યા હતા કારણ કે એનઆઈએએ જણાવ્યું હતું કે એમની વિરૂદ્ધ કોઈ પુરાવાઓ નથી. તપાસમાં જણાવાયું હતું કે, બ્લાસ્ટ પાછળ હિન્દુ સંગઠન સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનો હાથ છે.
એટીએસએ ટ્રાયલ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી જણાવ્યું કે, રેકર્ડ ઉપર ઉપલબ્ધ પુરાવાઓ છતાં એમને છોડી મૂકાયા છે. એટીએસના વકીલે જણાવ્યું કે, સ્પે.કોર્ટને કોઈ કાયદાકીય આધારો નથી. વકીલે જણાવ્યું કે, આ પહેલાંના ચુકાદાઓમાં સ્પષ્ટ કરાયું છે કે જ્યારે તપાસ એજન્સીએ વિરોધાભાસી ચાર્જશીટ દાખલ કરેલ હોય તો બન્ને ચાર્જશીટોને રેકર્ડ ઉપર લેવું જોઈએ.
એનઆઈએના વકીલે જણાવ્યું કે, અમોએ સંપૂર્ણ પણે તપાસ કરી છે અને આ નિર્ણય ઉપર પહોંચ્યા છે કે બ્લાસ્ટની પાછળ હિન્દુ સંગઠનોનો હાથ હતો.
એજન્સીએ સ્વામી અસીમાનંદના નિવેદનોનો હવાલો આપ્યો હતો. જેમાં સંઘ પ્રચારક સુનીલ જોષીના સાથીઓની સામેલગીરી ર૦૦૬ના બ્લાસ્ટમાં દર્શાવી હતી. એટીએસએ દાવો કર્યો હતો કે, મોહમ્મદ જાહિદ અન્સારીએ બોમ્બ મૂકયા હતા પણ આ દાવો ખોટો હતો કારણ કે એ દિવસે અન્સારી માલેગાંવથી ૪૦૦ કિ.મી. દૂર યવતમાલમાં હતો. આ પ્રકારની રજૂઆત એનઆઈએએ કરી હતી.
એટીએસના કહેવા મુજબ શબ્બીર બેટરીવાલાએ વિસ્ફોટકો પૂરા પાડયા હતા પણ ઓગસ્ટથી સપ્ટેમ્બર ર૦૦૬ સુધી એ જેલમાં હતો જેની ધરપકડ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી.

ન્યુઝ પોઈન્ટ

મે ર૦૧૪માં કેન્દ્ર સરકાર બદલાઈ જાય છે. આ કેસની તપાસ કરનાર બાહોશ ઓફિસર હેમંત કરકરેની સૂચનાથી ખાસ સરકારી વકીલ રોહિણી સાલિયાનની નિમણૂક યુપીએ સરકારે કરેલી તેમને કહેવામાં આવ્યું કે હવે આ કેસમાં ઢીલું મૂકવું પરંતુ તેમણે ન્યાય સાથે રહેવાનું ઓફિસરને જણાવ્યું. ત્યારબાદ તરત જ ખાસ સરકારી વકીલ રોહિણી સાલિયાનને જણાવવામાં આવ્યું કે ‘‘ઉપર’’થી હુકમ છે કે આ કેસમાં હવેથી કોઈ અન્ય વકીલ હાજર થશે. ર૦૧પમાં ના.સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, ‘કાગળો જોતાં લેફ્ટ.કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત સામે ‘મકોકા’નો ગુનો લાગુ પડતો નથી.’
૧૩-૦પ-ર૦૧૬ના રોજ ખાસ સરકારી વકીલ અવિનાશ રાસલ કોર્ટમાંથી ધૂંઆપૂંઆ થઈ બહાર નીકળ્યા કારણ કે તેમને કોર્ટે પૂછેલ કે એનઆઈએ નવી ચાર્જશીટ દાખલ કરવાની છે ? પત્રકારોએ પૂછતાં તેમણે સપ્લીમેન્ટરી ચાર્જશીટની વાત ફગાવી દીધેલ.
ત્યારબાદ એનઆઈએના અધિકારીઓ જુનિયર વકીલો સાથે કોર્ટમાં દાખલ થયા અને જણાવ્યું કે, એનઆઈએ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવાની છે અને મકોકાનો કાયદો આ કેસમાં લાગુ નહીં પડે અને જણાવ્યું કે, આ વિષયમાં ગૃહમંત્રી અને સરકારે નીમેલા એટર્ની જનરલની અભિપ્રાય લેવાની તજવીજ ચાલુ છે. ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી એનઆઈએ જણાવે છે કે, તપાસમાં આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને અન્ય પાંચ સામે ‘મકોકા’નો ગુનો બનતો નથી. પરંતુ લેફટ.કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતનું નામ પડતું મૂકાયું ન હતું. રપ-૦૪-ર૦૧૭ના રોજ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને બોમ્બે હાઈકોર્ટે જામીનમુક્ત કરેલ. એનઆઈએની કોર્ટે કર્નલ પુરોહિતના જામીન નકાર્યા ત્યારે તેઓ પરિવાર સાથે કોર્ટનો બહાર નિરાશ હતા ત્યારે સરકારી વકીલે તેમને આશ્વાસન આપેલ (સરકારી વકીલનું આજ કામ ?) કે તેમને (આરોપીને) કોઈ ચિંતાનું કારણ નથી અને તેમની વિરૂદ્ધ કંઈ નથી ! રર-૦૮-ર૦૧૭ના રોજ લેફ્ટ.કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને સુપ્રીમકોર્ટે જામીન મુક્ત કરેલ પરંતુ પ્રશ્ન એ છે કે, તા.ર૯-૯-ર૦૦૮ના રોજ માલેગાંવ કેસ કે જેમાં ૬ નિર્દોષ માર્યા ગયા હતા અને ૭૦ને ઈજા થયેલ તે ગુનાનો સૂત્રોધાર અને ષડયંત્ર રચનાર લેફટ.કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત નહીં તો પછી કોણ ? ૮-૪-ર૦૧૬ના રોજ સાહેદોના કબૂલાતનામા મકોકાની સ્પેશિયલ કોર્ટમાંથી અચાનક ખોવાઈ જાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.