પ્રદૂષણના મુદ્દે નામાંકીત સહિત ર૧ કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારતું જીપીસીબી

(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૩
પ્રદૂષણના મુદ્દે અંકલેશ્વર રીજીઅનમાં જુલાઈ માસ દરમ્યાન જીપીસીબી દ્વારા ૨૧ કંપનીઓને ક્લોઝર નોટિસ, ૩૫ કંપનીઓને નોટિસ ઓફ ડાયરેકશન તેમજ ૧૧૪ જેટલી કંપનીઓને શો કોઝ નોટિસો ફટકારવામાં આવતા પ્રદૂષણ ફેલાવતાં તત્વોમાં સોંપો પડી જવા પામ્યો છે. જીપીસીબી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ આ કામગીરીમાં અંકલેશ્વરની નામાંકીત શ્રી ગણેશ રેમીડીઝ લી. અને પાનોલીની યુનિક કેમિકલ્સ તથા બે ખાંડ ઉત્પાદન કરતી મંડળીઓનો પણ સમાવેશ થાય છે.
જુલાઈ માસના વરસાદી મૌસમમાં ગાંધીનગર જીપીસીબી, પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે જે સંદર્ભે ૨૧ કંપનીઓને ક્લોઝર નોટિસ, ૩૫ કંપનીઓને નોટીસ ઓફ ડાયરેકશન તેમજ ૧૧૪ જેટલી કંપનીઓને શો કોઝ નોટિસો ફટકારવામાં આવતા પ્રદૂષણ ફેલાવતાં તત્વોમાં સોંપો પડી જવા પામ્યો છે. અંકલેશ્વરની શૈલી ફાર્મા કેમ, શ્રી ગણેશ રેમીડીઝ અને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ ને તાત્કાલીક અસરથી ક્લોઝર નોટિસ ફરકારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેઓના વીજ તેમજ પાણી કનેક્શનો કાપવાની પણ તૈયારી તંત્રએ હાથ ધરી છે. જ્યારે અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને તેમાં માછલાં, જળચરના મોતની ગંભીર ઘટના સંદર્ભે વટારીયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ને પણ અંકલેશ્વર જીપીસીબીએ કરેલ તપાસ રિપોર્ટના આધારે ૧૫ દિવસના સમયગાળા હેઠળની ક્લોઝર નોટિસ ગાંધીનગર જીપીસીબીએ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પાનોલીની યુનિક કેમિકલ્સમાં બનેલ અકસ્માતના બનાવ સંદર્ભે ગાંધીનગર જીપીસીબીએ ઘટના વાળા પ્લાન્ટને ક્લોઝર નોટિસ પાઠવી છે.
જ્યારે પંડવાઇની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., અંકલેશ્વરની સૌરાષ્ટ્ર ડાય એન્ડ કેમિકલ્સ, ફેરગુસોન કેમિકલ, માનસી કેમિકલ્સ વગેરેને પણ ૧૫ દિવસના સમયગાળાની ક્લોઝર નોટિસ ગાંધીનગર જીપીસીબીએ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર નોટીફાઈડ ને પણ બે વખત જીપીસીબીએ નોટિસ પાઠવી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. આમ, આવનાર દિવસોમાં પ્રદૂષણના મુદ્દે જીપીસીબી વધુ કડક કાર્યવાહી હાથ ધરે તો નવાઈ નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks