જામનગર, તા.૨
જામનગરની ગુનાશોધક શાખાએ ગીર સોમનાથ સહિતના પાંચ જિલ્લાઓમાં છ મહિનામાં બાવીસ સ્થળે ચોરી કરનાર ત્રણ શખ્સોને પકડી પાડી આ ગુનાઓના ભેદ પરથી પરદો ઉંચક્યો છે. આરોપીઓનો કબજો લેવા માટે જે-તે જિલ્લાઓની પોલીસે તજવીજ હાથ ધરી છે. જામનગરની ગુનાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વસરામભાઈ આહિર તથા પો.કો.નિર્મળસિંહ બી.જાડેજાને મળેલી બાતમીના આધારે બેડીબંદર રોડ પર એલસીબીના કાફલાએ વોચ ગોઠવી હતી તે દરમિયાન જીજે-૧૦-એસી ૪૪૮૪ નંબરની ઈન્ડીકા મોટરને આંતરી એલસીબીએ તેમાં બેસેલા જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા તેજસ શાંતિલાલ પંડ્યા, દ્વારકાના સલીમ હુસેન સુંભણિયા તથા દ્વારકાના જલારામનગરમાં રહેતા રમેશ નાગજી ચૌહાણ નામના ત્રણ શખ્સોની અટકાયત કરી કચેરીએ ખસેડ્યા હતા. આ શખ્સોની પૂછપરછ હાથ ધરાતા તેઓએ છેલ્લા છ મહિના દરમિયાન ગીર સોમનાથ, અમદાવાદ, પોરબંદર, મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કરેલી બાવીસ ચોરીઓની કબૂલાત આપી છે. આ શખ્સોએ તાલાલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા એક મંદિરમાં પણ ચોરીની કબૂલાત આપતા તેઓના કબજામાંથી રૂા.૧૦ હજાર, ત્રણ મોબાઈલ અને ચોરાઉ ચોરીમાં ઉપયોગ કરેલી ઈન્ડીકા મોટર કબજે કરી તમામ જિલ્લાની પોલીસને આ આરોપીઓ ઝડપાયા હોવાની વિગત આપવામાં આવી છે. એલસીબીની પૂછપરછમાં પોપટ બનેલા તેજસ શાંતિલાલ પંડ્યાએ અગાઉ દસથી વધુ લૂંટ, વાહન ચોરી, હત્યા સહિતના ગુનાઓ આચર્યા હતા ત્યાર પછી જેલ હવાલે રહેલા આ શખ્સની જામીન મુક્તિ થઈ હતી. બહાર નીકળેલા આ શખ્સે ફરીથી પોતાનો જૂનો કસબ અજમાવવાનું શરૂ કર્યાનું પણ એલસીબી સમક્ષ કબૂલ્યું છે. આ શખ્સ પોતાના સાગરિતો સાથે મળી ચોટીલા તરફ જતાં પદયાત્રીઓના સામાનમાંથી પણ રાત્રિના સમયે ચોરી કરતો હોવાની વિગતો ખૂલી છે. એલસીબીએ બાવીસેય ગુનાની નોંધ કરી જે-તે જિલ્લાઓની પોલીસને વાકેફ કરી છે.