ગાંધીનગર,તા.રર
ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા શિક્ષણ વિભાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને જોડીને ખાદી ઉત્સવની ઉજવણીનો મહત્વનો નિર્ણય કર્યો છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ રપ, સપ્ટેમ્બર,ર૦૧૭થી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ર. ઓકટબોર-ર૦૧૭ દરમ્યાન ખાદી સપ્તાહ ઉજવવાનો નિર્ણય કર્યો છે આ સંદર્ભમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગ ઉપરાંત જે તે જિલ્લા વહીવટી તંત્રના વડાઓ, સંસદસભ્યો તથા ધારાસભ્યઓને પત્ર લખીને આ સપ્તાહ દરમ્યાન મહત્તમ પ્રમાણમાં ખાદીની ખરીદી કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની પ્રક્રિયામાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, જયાં જયાં ખાદી ખરીદીના વેચાણ કેન્દ્રો નથી તે તાલુકા મથકો અઠવાડિયા માટે હંગામી વેચાણ કેન્દ્રો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા કેન્દ્રો ઉપર ૩૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ચુડાસમાએ જણાવ્યું છે કે પર્યાવરણની દૃષ્ટિએ ખાદી વસ્ત્ર આપણને તમામ ઋતુઓમાં સાનુકૂળ રહે છે આપણા રોજિંદા પહેરવેશમાં ખાદીનો ઉપયોગ કરી ખાદી વણાટ સાથે સંકળાયેલ આપણા દેશબાંધવોને રોજગારીની મહત્તમ તક પુરી પાડવાનો ઉમદા હેતુ રાજય સરકારનો છે ત્યારે આ સપ્તાહ દરમ્યાન સામુહિક ધોરણે ખાદીની ખરીદીથી આ હેતુ પણ પૂર્ણ થશે ઉપરાંત ગ્રામીણ અર્થતંત્રની મજબૂતાઈનું એક વાતાવરણ પણ બનશે.