(એજન્સી) નવી દિલ્હી, તા.૯
મૌસમના પહેલાં વરસાદે જ ભારતના મહાનગરો પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. યુપી, દિલ્હી અને મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું તો બીજી તરફ બદલાયેલા વાતાવરણના કારણે આકરા ઉનાળામાંથી લોકોને રાહત મળી હતી. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે ૨૬ લોકોનાં મોત થઇ ચૂક્યા છે જ્યારે ચાર જાનવરોના મૃત્યુ થયાના પણ સમાચાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત વિસ્તારોમાં રાહત આપવાનું સૂચન કર્યું છે તો બીજી તરફ શનિવારથી મુંબઇના કેટલાક વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે મુંબઇ સ્થિર થઇ ગયું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે તંત્રની પોલ પહેલાં ચોમાસે જ ખૂલી ગઇ છે. મુંબઇના થાણે વિસ્તારમાં થયેલી ભારી માત્રાની વરસાદના કારણે બે લોકોનાં મોત નીપજ્યા છે. મુંબઇના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૬૬ વર્ષીય એક માછીમારનું વીજળી પડવાના કારણે મોત થયું છે તો બીજી તરફ ૬ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય માર્ગ અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે. દિલ્હી એનસીઆરમાં વરસાદ પડવાના કારણે ગરમીની અકળામણથી લોકોને રાહતનો શ્વાસ લેવાનો વારો આવ્યો હતો. અચાનક વાતાવરણમાં પલ્ટો આવી જતા ૩૬ ડિગ્રી જેટલું તાપમાન થઇ ગયુ હતું. જેના કારણે ૨૭ ફ્લાઇટો બદલવામાં આવી હતી. દિલ્હીમાં ૭૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી હતી. દિલ્હી સિવાયના અન્ય વિસ્તારો વિશે વાત કરવામાં આવે તો, નોઇડા, ગાજીયાબાદ અને ગુંડગાવમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયુ હતું.