પાટણ,તા.૩૧
પાટણ જિલ્લાના રાધનપુર-આડેસર હાઈવે પર સાંતલપુર નજીક મહેસાણા-નખત્રાણા રૂટની બસ પલ્ટી મારી જતા ર૬ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાં ચાર મુસાફરોને વધુ સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા ડેપોની મહેસાણા-નખત્રાણા રૂટની બસ નં.જીજે ૧૮ ઝેડ ૧ર૩૭ સાંતલપુરથી મુસાફરો લઈ થોડું અંતર કાપતાં જ પલ્ટી મારી જતા મુસાફરોની બુમાબુમથી હાઈવે ગુંજી ઉઠ્યું હતું. અવાજ સાંભળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકાળ્યા હતા. ર૬ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેઓને ૧૦૮ અને ખાનગી વાહનો મારફત સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જેમાં બબીબેન રામજીભાઈ (ઉ.વ.૬૦, રહે.હારીજ), અલ્પાબેન ખોડાભાઈ (ઉ.વ.રર, રહે.શંખેશ્વર), રાજેશકુમાર પોપટલાલ (ઉ.વ.૪૩, રહે.ગાંધીધામ) અને હંસોયાબેન સેવાદાસ (ઉ.વ.૪૭, રહે.વાવ)ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સાંતલપુર પોલીસ, વહીવટીતંત્ર અને રાધનપુર એસ.ટી. ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સદનસીબે કોઈ જાનહાની નહી થતા રાહત અનુભવી હતી.