(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨
અમરેલી નજીક કેરાળા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે સાવરકુંડલાથી ઉંઝા જઈ રહેલ એસટી બસ સાથે સામેથી આવી રહેલ અમરેલીના જલારામ ટ્રાન્સપોર્ટની ટ્રક ધડાકાભેર અથડાવી દેતા એસટી બસમાં બેસેલ ૩ વર્ષની બાળકી સહિત ૪ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે ૨૮ જેટલા મુસાફરોને ઇજા થવા પામી હતી વહેલી સવારે ૬ વાગ્યે થયેલ અકસ્માતથી અમરેલી પોલીસ તેમજ ૧૦૮ એબ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલે ખસેડ્યા હતા. જેમાં ૨૫ જેટલા મુસાફરોને રાજકોટ તેમજ જુદી-જુદી હોસ્પિટલોમાં વધુ સારવારમાં ખસેડ્યા હતા. બનાવને લઇ અમરેલી હોસ્પિટલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહોંચી ગયા હતા. અકસ્માતના બનાવને લઇ હોસ્પિટલે ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાથી જિલ્લામાં અરેરાટી મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલા એસટી ડેપોમાંથી સવારે ૪ઃ૪૫ વાગ્યે ઉપડેલ સાવરકુંડલા ઉંઝા રૂટની એસટી બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૧૨ સવારે સાવરકુંડલાથી નીકળ્યા બાદ અમરેલી થઇ લાઠી તરફ જવા નીકળેલ ત્યારે લાઠી તાલુકાના કેરાળા ગામના પાટિયા પાસે સવારે ૬ વાગ્યે એસટી બસ પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ અમરેલીના જલારામ ટ્રાન્સપોર્ટનો માલ ભરેલ ટ્રક નં.-જીજે–બીવી-૪૪૫૫ના ચાલક તુલસારામ રાઉરામ જાટએ પોતાના હવાલાનો ટ્રક એસટી બસ સાથે ધડાકાભેર અથડાવી દેતા એસટી બસના ડ્રાઈવર સાઈડનું પડખું આંખુ ચિરાઈ જતા બસમાં બેસેલ ૪૫ મુસાફરો પૈકી ૪નાં મોત નિપજ્યા હતા અને ૨૭ જેટલા મુસાફરોને ઇજા થવા પામી હતી. જેમાં મોતને ભેટનાર ૩ વર્ષની બાળા ફાઝીના વસીમભાઇ કુરેશી રહે.સાવરકુંડલા તેમજ હિંમતભાઇ ગોરધનભાઈ સરવૈયાં (ઉ.વ.૫૩), તથા રોહિતભાઈ ધીરુભાઈ સરવૈયા (ઉ.વ.૪૦) અને ચૌહણ દ્રિમીત્ર ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.૨૨) રહે. ચારેય સાવરકુંડલા વાળાઓ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા. મૃતકોને તેમજ ઇજા પામનાર મુસાફરોને તાત્કાલિક અમરેલી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા. જેમાં ૨૫ જેટલા મુસાફરોને ગંભીર ઇજા હોવાથી રાજકોટ તેમજ અમદાવાદ ભાવનગર ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા અકસ્માતને લઇ ઘટનાસ્થળે અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ અમરેલી પોલીસ પહોંચી ગઈ હતી. વહેલી સવારે બનેલ અકસ્માતને લઇ અમરેલી લાઠી રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે લાઠી પોલીસમાં એસટી બસના ડ્રાઈવર લવજીભાઈ રામસંગભાઈ ચૌધરીએ ટ્રકચાલક તુલશારામ રાઉરામ જાટ સામે ફરિયાદ નોંધાવી હતી.
ખુદાની રાહમાં જતા સંબંધીને મળવા જતાં ફાઝીન જ ખુદાને પ્યારી થઈ

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨
સાવરકુંડલાના વસીમભાઈ કુરેશીના અમદાવાદ ખાતે રહેતા સબંધીઓ હજની સફરે જતા હોઈ જેથી વસીમભાઈના પત્ની નાઇલાબેન (ઉ.વ.૩૫) તેમજ તેમની પુત્રી ફાઝીન (ઉ.વ.૩) તેમજ બીજા સંબંધીઓ મુબારકબાદી આપવા માટે આજે અમદાવાદ જવા માટે સાવરકુંડલાથી ઉંઝાવાળી એસટી બસમાં વહેલી સવારે ૪ઃ૪૫ કલાકે જવા નીકળ્યા હતા અને અમરેલી નજીક કેરાળા ગામના પાટિયા પાસે બસ પહોંચતા સામેથી આવી રહેલ ટ્રકે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માતમાં ૩ વર્ષની માસૂમ બાળકી ફાઝીનનું મોત થયું હતું અને તેની માતા નાઇલાબેનને શરીરમાં ૬ ફેક્ચર થયા હતા. જેથી નાઇલાબેનને અમરેલીથી રાજકોટ સારવારમાં લઇ ગયા હતા. માતા નાઇલાબેન પોતે સારવારમાં હોવાથી તેમની પુત્રીનું દફનવિધિ સમયે છેલ્લી વખત મોઢું પણ જોઈ શક્યા ન હતા.