સુરતના હબીબશા મહોલ્લાના ચાર છોકરાઓ કોઝવેમાં ડૂબ્યા : બેનાં મોત

(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૧
શહેરના નાનપુરા હબીબશા મહોલ્લા ખાતે રહેતા ચાર યુવાનો ગતરોજ વિયર કમ કોઝવેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પાણીમાં ડુબી ગયા હતા, જે પૈકી બે ને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા, જ્યારે અન્ય બે ને ફાયરની ટીમે પાણીમાંથી બેભાન હાલતમાં કાઢતા સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે વિયર કમ કોઝવેના રાંદેર તરફના છેડે ચાર છોકરાઓ પાણીમાં ડૂબી રહ્યા હતા તે સમય દરમિયાન છોકરાઓએ બચાવો બચાવોની બુમ પાડતા સ્થાનિક માછીમારો અને વાહન ચાલકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માછીમારો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કોઝવેમાં ડૂબી રહેલા બે યુવાનોને બચાવી લીધા હતા તે દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચતા અન્ય બે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ સાહેબ નાસીર ઉ.વ. ૧૫ અને મોહંમદ કૈફ ઈબ્રાહીમ ઉ.વ. ૧૫ને તાત્કાલિક ૧૦૮ની ટીમ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. તે દરમિયાન ફાયરના જવાનોએ અન્ય બે યુવાનોને પાણીમાંથી શોધીને બહાર કાઢતા બેભાન હાલતમાં મળ્યા હતા. બન્નેને ફાયરની એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તબીબોએ અખલાદ હુસેન અકબર હુસેન ઉ.વ. ૧૬ અને મોહંમદ જૈફ અબ્દુલ રહેમાન ઉ.વ. ૧૪ને મૃત જાહેર કર્યા હતા. ચારે યુવાનો નાનપુરા હબીબશા મહોલ્લાના હતા. ચારે યુવાનોના પરિવારને જાણ થતા તેઓ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી રડારડ કરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ચારેય યુવાનો સવારે રમઝાનની નમાઝ બાદ ઘરેથી કોઝવે તરફ જઈએ છીએ તેમ કહીને નીકળ્યા હતા. ચારેય યુવાનો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા. કોઝવેના પાણીમાં પગ મૂકીને મોબાઈલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં ડૂબ્યો હતો જેને બચાવવા ગયેલ બીજા પણ ડુબી ગયો. આ બન્નેને બચાવવા માટે બીજા બે મિત્રો પણ પાણીમાં કુદી પડયા હતા. ચારેય યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા જે પૈકી બે ને બચાવી લેવાયા જ્યારે બેનું ડૂબી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts