કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ૩ નાગરિક ઘવાયા

(એજન્સી) શ્રીનગર, તા. ૨૯
જમ્મુ અને કાશ્મીરમાં સીઝ ફાયર ખતમ થયા બાદ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે. રાજ્યના પુલવામા જિલ્લાના થુમના ગામમાં ચટાપોરા વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતને ઘેરીને હાથ ધરવામાં આવેલી તપાસ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો પર આતંકીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ૩ નાગરિક ઘવાયા છે. ઇમારતમાં આતંકીઓ ફસાયેલા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગામમાંઆતંકીઓ હોવા વિશે મળેલી માહિતીને પગલે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓનું સ્થળ શોધી કાઢ્યું છે પરંતુ ઘરમાં કેટલાક લોકો હોવાને કારણે આતંકીઓના સફાયાની કામગીરી હાથ ધરવામાં વિલંબ થઇ રહ્યો છે. ઘવાયેલા નાગરિકોને હોસ્પિટલે દાખલ કરાયા છે.
દરમિયાન, શોપિયાંમાં સૈન્યની પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પર આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કરતા બે જવાન ઘવાયા છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જ્યારે કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં એક આતંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.
શોપિયાંના અહગામ વિસ્તારમાં કેટલાક આતંકીઓએ પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટીમ પર ગ્રેનેડ હુમલો કરીને બેફામ ગોળીબાર કરાતા બે જવાન ઘવાયા છે. હુમલો કરીને આતંકીઓ નાસી છૂટ્યા હતા. ગ્રેનેડ હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે પરંતુ અત્યાર સુધી કોઇ આતંકી પકડાયો નથી. આતંકી સંગઠન જૈશે મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સેનાનું સર્ચ ઓપરેશન હજીપણ ચાલુ છે. ગત ૧૦મી જૂને પણ સેનાએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ૬ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
કુપવાડામાં વેહલી સવારે ૫-૩૦ વાગ્યાના સુમારે આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી. ખેરખર, તો કુપવાડાના જંગલોમાં આતંકીઓ છુપાયા હોવાની સેનાને બાતમી મળી હતી. આ બાતમીને આધારે સેનાએ ચોમેરથી સમગ્ર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ અભિયાન દરમિયાન જંગલમાં છુપાયેલા આતંકીએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કરતા અથડામણના સ્થળે જ આતંકી માર્યો ગયો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી પર આધારિત આ વિશેષ ઓપરેશન હવે પુરૂં થઇ ગયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks