Site icon Gujarat Today

શ્રીનગરમાં સેનાના વાહને ત્રણ નાગરિકોને કચડ્યા, એક યુવકનું મોત

(એજન્સી) શ્રીનગર, તા. ૨
શ્રીનગરમાં દેખાવો કરી રહેલા લોકોને સીઆરપીએફના વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા છે દેખાવો કરતા લોકોમાંથી ત્રણ યુવાનોને આ વાહને કચડી નાખ્યા હતાજેમાંથી એકનું મોત થઇ ગયું હતું જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘવાયા છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ સીઆરપીએફના વાહન પર પથ્થરમારો કર્યો હતો અને મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા નીકળી પડતા ડ્રાઇવલ વાહન છોડી નાસી ગયો હતો. શ્રીનગરના નૌહટ્ટાના નાગરિકે જણાવ્યું હતું કે, સલામતી દળોના વાહનો સીધા દેખાવો કરી રહેલા લોકો પર ધસી આવ્યા હતા અને છથી વધુ લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવક મોતને ભેટ્યો છે. શેરે કાશ્મીર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સના પ્રતિનિધિએ કહ્યું હતું કે, ઘટનામાં અન્ય બે યુવકો ઘવાયા છે પહેલી જુનની રાતે જ એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. પહેલી જુનના રોજ થયેલા દેખાવો દરમિયાન સલામતી દળના વાહન દ્વારા ૨૧ વર્ષના શ્રીનરના ફતેહકડાલમાં રહેતા કૈસર બટને કચડી નાખવામાં આવ્યો હતો. બીજી તરફ અધિકારીઓએએ નાગરિકોના નિવેદનને ફગાવી કહ્યું હતું કે, યુવા ટોળા દ્વારા વાહનને ઘેરી લેવામાં આવ્યું હતું અને કેટલાક આ ગાડીમાંથી સૈનિકોને ઉતારીને માર મારવાના પ્રયાસ કરી રહ્યા હતા. અર્ધલશ્કરી દળો માટેના પ્રવક્તા સંજય શર્માએ કહ્યું કે, આ સ્થિતિ ટોળા દ્વારા ઊભી કરાઇ છે જેમાં અમે ભારે આક્રોશ જોયો હતો. જોકે, પોલીસના ત્રીજા નિવેદનમાં નવી જ વાત સામે આવી હતી જેમાં પોલીસ અધિકારીએ કહ્યું કે, જીપ અચાનક દેખાવકારોના ટોળામાં ધસી ગઇ હતી જેના કારણે આકસ્મિક રીતે કેટલાક લોકો ભોગ બન્યા હતા. જોકે, મોટી સંખ્યામાં દેખાવકારોને જોતા ડ્રાઇવરે વહેલામાં વહેલી તકે ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.

શ્રીનગરના યુવકને કચડી નાખવાની ઘટના : યુદ્ધવિરામ એટલે
બંદૂકનો નહીં તો શું જીપનો ઉપયોગ ? : ઓમર અબ્દુલ્લાહનો સવાલ

(એજન્સી) શ્રીનગર, તા. ૨
નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહે શનિવારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને સવાલ કર્યો હતો કે, દેખાવકારોને જીપ દ્વારા કચડી નાખવાની સરકારની નવી નીતિ આવી છે તે અંગે જવાબ આપો. આ પહેલા તેઓ જીપની આગળ લોકોને બાંધીને બધા ગામોમાં ફેરવી ગામલોકોને ભયભીત કરતા તથા દેખાવોને રોકતા હતા. શું આ તમારી નવી નીતિ છે મહેબૂબા સાહિબા ? તેમણે ટિ્‌વટ કરી હતી કે, યુદ્ધવિરામ એટલે બંદૂકનો ઉપયોગ નહીં તેથી જીપનો ઉપયોગ કરવો ? તેઓએ શ્રીનગરના બહારના વિસ્તાર કાકાપોરામાં આર્મીની જીપ દ્વારા ત્રણ લોકોને કચડી નાખવાની ઘટનાના સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફોટા વાઇરલ થયા તે અંગે સવાલ કરી રહ્યા હતા. શુક્રવારે નૌહટ્ટામાં દેખાવો દરમિયાન સીઆરપીએફના વાહન નીચે કચડાઇ ૨૧ વર્ષના કૈસર અહમદનું મોત થયું હતું. અહમદને ગંભીર ઇજાઓ સાથે શ્રીનગરની શેરે કાશ્મીર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ ગંભીર ઇજાઓને કારણે શનિવારે તેનું મોત થયું હતું.

કૈસર પ્રખર ‘આઝાદી’ સમર્થક હતો

(એજન્સી) શ્રીનગર, તા. ૨
નૌહટ્ટાના ભરચક વિસ્તારમાં સીઆરપીએફના વાહન નીચે કચડીને મોતને ઘાટ ઉતારાનારા ૧ વર્ષનો કૈસર પાક્કો આઝાદી સમર્થક હતો. તેના કારણે જ સરકારી દળો દ્વારા તેની હત્યા થતા દૂર દૂરના ગામડાઓમાંથી તેના જનાઝામાં સામેલ થવા માટે લોકો આવવા લાગ્યા હતા. કૈસર ત્રણ ભાઇ બહેનમાં અનાથ અને સૌથી મોટો હતો. તેને શુક્રવારે દેખાવો દરમિયાન સેનાની જીપ નીચે કચડી નાખવામાં આવ્યો. સીઆરપીએફની કાર નીચે ચગદાતા કૈસરના ઘણા અંગોમાં ઇજાઓ થઇ હતી જેના કારણે શરીરમાંથી મોટાપ્રમાણમાં લોહી વહી ગયું હતું. કૈસરની બે બહેનો છે જેમાં પ્રથમ વર્ષ સ્નાતકમાં અભ્યાસ કરતી તોયીબા અને ૧૧મા ધોરણમાં ભણતી ઇફ્ફતનો સમાવેશ થાય છે. કૈસરે સોશિયલ મીડિયા પર ફેસબૂક પ્રોફા ઇલમાં પોતાને સ્વર્ગનો બારમાસી ફૂલ તરીકે વર્ણવ્યો હતો. જુના શહેર ફતેહ કડાલમાં ધંધાદારી પરિવારમાં જન્મેલા કૈસરે સેન્ટ સોલોમન હાઇસ્કૂલમાં ભણતર પુરૂ કર્યું હતું. વધુ ભણતર માટે તે એસપી હાયર સેકન્ડરી સ્કૂલમાં ગયો હતો. ૨૦૦૯માં લાંબી બીમારી બાદ તેની માતાનું અવસાન થયું હતુું. પત્નીની મોતને સહન ન કરી શકતા પિતા અમીન બટ પણ ૨૦૧૦માં હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા. બટ કાશ્મીરી હાથવણાટનો વેપારી છે અને તે ભારતના ઘણા ભાગોમાં એક્ઝીબિશન માટે જાય છે. કૈસર પણ ઘણી વખત પોતાના પિતા સાથે જતો હતો. કૈસર હંમેશા આઝાદી સમર્થક રહ્યો અને તેની માસીઓ પાસે બંદૂક ઉપાડવાની પરવાનગી માગી ચુક્યો હતો. તે અને તને પરિવાર માતા-પિતાના અવસાન બાદ કાકા ગુલામ મોહમ્મદ સાથે રહેતા હતા.

આઝાદી સમર્થક નારાઓ વચ્ચે કૈસરની અંતિમવિધિ દરમિયાન ટીયરગેસનો મારો

(એજન્સી) શ્રીનગર, તા. ૨
નૌહટ્ટામાં પ્રદર્શનો દરમિયાન સીઆરપીએફના વાહન નીચે કચડીને મોતને ઘાટ ઉતારાયેલા કૈસરના જનાઝામાં હજારો લોકો જોડાયા હતા. નજરે જોનારા સાક્ષીએ કહ્યું કે, ફતેહ કડાલ ચોકમાં જનાઝાની નમાઝ દરમિયાન હજારો લોકો જોડાયા હતા. તેણે કહ્યું જનાઝામાં જોડાયેલા લોકો પર સેનાએ ટીયરગેસનો મારો ચલાવ્યો હતો.અહેવાલો અનુસાર બાદમાં તેના જનાઝાને એક ટ્રકમાં લાદીને ઇદગાહ તરફ લઇ જવાયો હતો જ્યાં હજારો લોકો પહેલાથી જ તેની અંતિમ વિધિ માટે તૈયાર હતા. બીજી વખત તેના જનાઝાની નમાઝ પઢાવાતા ત્યાં પણ સેંકડો લોકો જોડાયા હતા. આ દરમિયાન આઝાદી સમર્થક નારા પણ લાગ્યા હતા. કૈસર બટના જનાઝામાં સામેલ લોકો પર સેનાએ ટીયરગેસનો મારો ચલાવાતા નાગરિકો અને સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન શ્રીનગર અને બડગામ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

ત્રણને કચડી નાખવા બદલ સીઆરપીએફ
સામે ફરિયાદ જ્યારે દેખાવો અટકાવાયા

(એજન્સી) શ્રીનગર, તા. ૨
રમઝાનના ત્રીજા જુમ્માના દિવસે સીઆરપીએફના વાહન નીચે બે યુવકોને કચડી નાખવામાં આવ્યા હતા જ્યારે ઐતિહાસિક જામીયા મસ્જિદથી રેલીની શરૂઆત કરાઇ હતી. મીરવાઇઝે જુમ્માની નમાઝ પઢાવ્યા બાદ યુવકોએ રેલી કાઢી હતી. જ્યારે તેઓ નૌહટ્ટા પહોંચ્યા ત્યારે તેમણે આઝાદી સમર્થક અને પાકિસ્તાન સમર્થક તથા ભારત વિરોધી નારા લગાવ્યા હતા અને કાશ્મીરની રાજકીય કેદમાંથી આઝાદ કરવાની માગ કરી હતી.જ્યારે રેલી આગળ વધી ત્યારે સીઆરપીએફના વાહને બે યુવકોને કચડી નાખ્યા હતા. કાશ્મીરની હોસ્પિટલના ડોક્ટર ફારૂક જાને કહ્યું હતું કે, અમારી પાસે બે ઘાયલ યુવકો લવાયા હતા જેમાંથી એકની સ્થિતિ નાજુક છે જેને છાતીમાં ઇજાઓ થઇ છે. અમે તેની સારવાર કરી રહ્યાછીએ પરંતુ તેની સ્થિતિ નાજુક છે. અન્ય ઇજાગ્રસ્તની જાણકારી આપતા જાને કહ્યું હતું કે, તેની સ્થિતિ પણ સારી નથી બંને ઇજાગ્રસ્તોને પહેલા રૈનવારીની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પોલીસે જણાવ્યું કે, તેઓ કેવી રીતે ઇજાગ્રસ્ત થયા તેની તપાસ ચાલુ છે. સીઆરપીએફના અધિકારી સંજય શર્માએ કહ્યું કે, યુવકોનાદેખાવો સામે જવાનો સ્થળેથી ખસી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમના વાહન પર પથ્થરમારો કરાયો હતો. આ દરમિયાન તેમના વાહનની અડફેટે યુવકો આવી ગયા હતા.

પોલીસે બેફામ ડ્રાઇવિંગ, તોફાનનો કેસ નોંધ્યો

(એજન્સી) શ્રીનગર, તા. ૨
જમ્મુ-કાશ્મીરના યુવકને જીપ દ્વારા કચડીના મોતને ઘાટ ઉતારવા બદલ કાશ્મીર પોલીસે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સીઆરપીએફ જીપના ડ્રાઇવર સામે બેફાન ડ્રાઇવિંગ કરવાનો કેસ નોેંધ્યો છે. જોકે, દેખાવકારો સામે પણ તોફાનો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. શ્રીનગરના એસએસપી ઇમ્તિયાઝઅલીએ જણાવ્યું હતું કે, પોલીસ ઘટનાના પુરાવા એકઠા કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે બે કેસ નોંધ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. શુક્રવારે દેખાવો દરમિયાન સીઆરપીએફના વાહન નીચે કચડાઇને ૨૧ વર્ષના કૈસર અહમદનું મોત થઇ ગયું હતું.

સીઆરપીએફ વાહન દ્વારા યુવકની હત્યા બાદ ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

(એજન્સી) શ્રીનગર, તા. ૨
શ્રીનગરના નૌહટ્ટામાં શુક્રવારે પ્રદર્શનો દરમિયાન સીઆરપીએફના વાહન દ્વારા ૨૧ વર્ષના કૈસરને કચડી નાખતા તેનું મોત થયું હતું. અહમદને ગંભીર ઇજાઓ સાથે શ્રીનગરની શેરે કાશ્મીર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ ગંભીર ઇજાઓને કારણે શનિવારે તેનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, અગમચેતીને કારણે શ્રીનગર અને બડગામ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડ પણ આ દરમિયાન ધીમી કરી દેવામાં આવી હતી જેનાથી લોકો આ ઘટનાના ફોટા ડાઉનલોડ ન કરી શકે. લોકો એક સ્થાનેથી બીજા સ્થાને ઝડપથી ન જઇ શકે તે માટે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને બનિહાલ શહેર વચ્ચેની રેલવે સેવા પણ એક દિવસ માટે બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન અલગતાવાદીઓએ નાગરિકોની હત્યાના વિરોધમાં જાહેર હડતાળનું આહ્‌વાન પણ કર્યું હતું. દરમિયાન શહેરમાં દુકાનો અને અન્ય કોમર્શિયલ સંસ્થાનો બંધ રહેવા પામ્યા હતા. વાહનોમાં જરૂરી ચીજ વસ્તુઓની અવર જવર પણ અટકાવી દેવામાં આવી હતી.

કાશ્મીર : કાકાપોરાના નિવાસીઓએ ત્રાસવાદીના ઘરને આગ ચાંપવાનો પ્રયાસ કરવાનો ભારતીય સેના સામે આરોપ મૂક્યો

(એજન્સી) પુલવામા, તા. ૨
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કાકાપોરાના ગુંદીગામના સ્થાનિક લોકોને એક સ્થાનિક ત્રાસવાદીના ઘરને આગ ચાંપવાનો પ્રયાસ કરવાનો ભારતીય સેના સામે આરોપ મુકતા એક આઘાતજનક વીડિયોમાં જોઇ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ચોંકાવનારા વીડિયોમાં સ્થાનિક લોકો એવો દાવો કરી રહ્યા છે કે ભારતીય સેનાના કાકાપોરા કેમ્પના સૈનિકોએ સમગ્ર ગામને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક લોકોએ એવો આરોપ મુક્યો છે કે નજીક આવેલા કેમ્પના સૈનિકો રાત્રે ગામમાં આવ્યા હતા અને જૈશે મોહમ્મદનો ત્રાસવાદી આદિલ ઉર્ફે વકાસ કમાન્ડોના ઘરને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે. સૈનિકોએ ડાંગરના સુકા ઘાસ ઘરની ચોમેર ગોઠવી દીધા હતા અને ત્યાર પછી કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. ગામના લોકોએ એવું પણ જણાવ્યું કે કેટલાક પાડોશીઓએ આગ જોઇને તાકીદે તેને ઓલવી નાખી હતી. વીડિયોમાં લોકોને આગ બુઝાવતા જોઇ શકાય છે. એક વ્યક્તિને લોકોને શક્ય એટલું વધુ વીડિયો ફેલાવવાની અપીલ કરતા જોઇ શકાય છે. વીડિયોમાં એક મહિલાને સૈનિકોને શ્રાપ આપતી પણ જોઇ શકાય છે.

દક્ષિણ કાશ્મીરમાં દરોડા, ધરપકડોથી ભયનું વાતાવરણ

(એજન્સી) અનંતનાગ તા. ૨
સરકારી દળો દ્વારા રાતે દરોડા, યુવાઓની ધરપકડ અને પોલીસ સ્ટેશનોમાં સમન્સની ભરમારને પગલે દક્ષિણ કાશ્મીરના ઘણા ભાગોમાં સામાન્ય લોકોમાં ભયનુંં વાતારણ સર્જાયું છે. બીજી તરફ સરકાર આ અભિયાનોને સફળ ગણાવી તે પ્રક્રીયા ચાલુ રાખવા મક્કમ છે. બીજી તરફ તાજેતરમાં કાશ્મીર ખીણની મુલાકાત લેનારા જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, મારા મતે આ પ્રક્રીયાથી લોકો ખુશહાલ છે. જોકે, ખુશીને બદલે હાલ દક્ષિણ કાશ્મીરના લોકો ઘણા ભયમાં જીવન જીવી રહ્યા છે જ્યારે સરકારી દળો રાતે ઘણા સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. રાત્રી દરમિયા દરોડામાં ઘણા યુવાનોને ઘરોમાંથી ઉઠાવી લેવાયા છે. કુલગામના વેસ્સુમાં સેના દરરોજ રાતે દરોડા પાડી રહી છે અને યુવકોને ઉઠાવી જાય છે. ઘણા લોકોને અસહ્ય માર મારીને છોડી દેવાયા છે જ્યારે ઘણા હજુ પણ ગેરકાયદે અટકાયત હેઠળ છે. કેટલાક લોકોને પોલીસ સ્ટેશનોમાંથી સમન્સ પાઠવાયા છે જ્યારે તેઓ ત્યાં જવામાં અસમર્થ હોય ત્યારે તેમના પરિવારને હેરાન કરાય છે. કુલગામના ખોદવેનીમાં પણ આ પ્રકારના દરોડા પાડી પાંચ યુવકોની ધરપકડ કરી લેવાઇ છે. અનંતનાગના બિજબેહરા અને અરવિનીમાં પણ આજ રીતે દરોડા પડાય છે. ૨૫મી મેએ આ અંગે ઘર્ષણ પણ થયા હતા. શોપિયાં અને પુલવામામાં પણ આ પ્રકારની રેડ કરી યુવકોને પકડી લેવામાં આવે છે. લોકોને આરોપ છેકે, યુવકોને ઉઠાવી જઇ તેમને અન્યત્ર સ્થળે લઇ જઇ આતંકવાદી કહીને મારી નાખવામાં આવે છે જ્યારે તેમના આરોપોને સેને સતત નકારી રહી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સીઆરપીએફ જીપ પર હુમલો કરતા પથ્થરબાજોના ફોટા શેર કરાયા

(એજન્સી) શ્રીનગર, તા. ૨
પથ્થરબાજોને સીઆરપીએફની જીપ નીચે કચડી નાખવાના આરોપોનો જવાબ આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, મીડિયા ઘટનાના કેટલાક ચોક્કસ ફોટાને જ આધાર બનાવે છે. પોલીસે બે ફોટો શેર કર્યા છે જેમાં દેખાવકારો હુમલો કરતા દેખાય છે અને સીઆરપીએફની જીપને તોડવાનો પ્રયાસ કરતા નજરે ચડે છે. આ ફોટા સ્થાનિક પત્રકાર દ્વારા પોલીસની ટીકા કર્યા બાદ પોસ્ટ કરાયા હતા. પોલીસે એમ પણ કહ્યું કે, મીડિયા આ ફોટા નહીં શોધી શકે કારણ કે આ સિલેક્ટિવ પત્રકારિતા છે. સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી પોલીસે ટિ્‌વટ કરી હતી કે, મીડિયા સંપૂર્ણ ફોટા નથી દેખાડી રહ્યું અને કેટલાક ફોટા જ બહાર પાડી રહ્યું છે.

Exit mobile version